Census 2027 in Gujarat: 2027ની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી માટે તંત્ર સજ્જ, 17 મેથી સેલ્ફ-એન્યુમરેશન પોર્ટલનો પ્રારંભ

આજે અધિકારીઓએ આગામી જનગણના પ્રવૃત્તિઓના વિવિધ પાસાઓ, જેમાં સ્વ-ગણતરી અને ઘરયાદીની કામગીરી (HLO) ની ઘરે-ઘરે જઈને ગણતરીનો સમાવેશ અંગે માહિતી આપવામાં આવી હતી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 12 May 2026 04:21 PM (IST)Updated: Tue, 12 May 2026 05:25 PM (IST)
gujarat-digital-census-2027-self-enumeration-portal
(AI-Gemini નો ઉપયોગ કરીને ઇમેજ તૈયાર કરાઈ છે)
HIGHLIGHTS
  • રાજ્યમાં પ્રથમ તબક્કામાં તા. 1 થી 30 જૂન, 2026 દરમિયાન 'ઘરયાદી અને મકાનોની ગણતરી' હાથ ધરાશે
  • નાગરિકો માટે સ્વ-ગણતરીનો વિકલ્પ પણ ઉપલબ્ધ
  • બીજા તબક્કામાં 'વસ્તીની ગણતરી' તા. 9 થી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન યોજાશે
  • જનતાને કોઈપણ મૂંઝવણ કે માહિતી માટે ટોલ-ફ્રી નંબર 1855

Gujarat Census 2027 Self-Enumeration: ભારતની સૌપ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી 2027 માટે ગુજરાતમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ડાયરેક્ટોરેટ ઓફ સેન્સસ ઓપરેશન્સ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં આ ઐતિહાસિક પ્રક્રિયાનો રોડમેપ જાહેર કરવામાં આવ્યો હતો. સેન્સસ ઓપરેશન્સના ડાયરેક્ટર સુજલ જે. માયત્રાએ જણાવ્યું હતું કે, આ રાષ્ટ્રીય કવાયત આગામી સમયના આયોજન અને નીતિ-નિર્માણ માટે પાયાનો પથ્થર સાબિત થશે.

પત્રકાર પરિષદમાં વસ્તી ગણતરી નિયામક શ્રી સુજલ જે. મયાત્રાએ જણાવ્યું હતું કે, આગામી જનગણના 2027એ આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. અગાઉ દેશભરમાં છેલ્લે વર્ષ 2011માં જનગણના કરવામાં આવી હતી. આ ગણતરી દેશના દરેક નાગરિકના મજબૂત અને ઉજ્જવળ ભવિષ્ય માટે અગત્યની છે.

naidunia_image

બે તબક્કામાં હાથ ધરાશે પ્રક્રિયા

વસ્તી ગણતરી 2027 મુખ્યત્વે બે તબક્કામાં વહેંચાયેલી રહેશે

પ્રથમ તબક્કો (HLO): 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન હાઉસલિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ હાથ ધરવામાં આવશે. જેમાં મકાનની સ્થિતિ, સુવિધાઓ અને ઘરગથ્થુ અસ્કયામતોની વિગતો એકત્ર કરાશે.

બીજો તબક્કો (PE): 9 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન વસ્તી ગણતરી (Population Enumeration) કરવામાં આવશે. 1 માર્ચ, 2027ની મધ્યરાત્રિને સેન્સસની સંદર્ભ તારીખ માનવામાં આવશે. આ તબક્કામાં દેશવ્યાપી જાતિ આધારિત ગણતરી (Caste Enumeration) પણ કરવામાં આવશે.

જાતે વિગતો ભરવા માટે સેલ્ફ-એન્યુમરેશનની સુવિધા

ડિજિટલ ઈન્ડિયાના અભિગમને વેગ આપતા સરકારે https://se.census.gov.in પોર્ટલ લોન્ચ કર્યું છે. ગુજરાતના નાગરિકો 17 મે થી 31 મે, 2026 સુધી આ પોર્ટલ પર પોતાની વિગતો સ્વયં ભરી શકશે.

શું છે સમગ્ર પ્રોસેસ

ઘરના મોભી પોતાના મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરી 16 ભાષાઓમાં ઉપલબ્ધ ડિજિટલ પ્રશ્નાવલી ભરી શકશે.

સફળ સબમિશન બાદ 11 અંકનો યુનિક 'H થી શરૂ થતો SE ID જનરેટ થશે. જ્યારે ગણતરીદાર (Enumerator) રૂબરૂ મુલાકાતે આવે ત્યારે આ ID આપવાનો રહેશે, જેથી સમય બચશે અને ભૂલોની શક્યતા ઘટશે.

વિશાળ વહીવટી માળખું અને ટેકનોલોજીનો ઉપયોગ

ગુજરાતના 34 જિલ્લાઓ, 268 તાલુકાઓ અને 18,117 ગામડાઓને આવરી લેવા માટે 1.09 લાખથી વધુ ગણતરીદારો અને 18,254 સુપરવાઈઝરોની નિમણૂક કરવામાં આવી છે. આ વખતે પરંપરાગત કાગળના ફોર્મના બદલે એન્ડ્રોઈડ અને આઈઓએસ (iOS) મોબાઈલ એપ્લિકેશન દ્વારા ડેટા એન્ટ્રી કરવામાં આવશે.

ડેટા સુરક્ષા અને ગોપનીયતા

નાગરિકોની અંગત માહિતીની સુરક્ષા અંગે ખાતરી આપતા અધિકારીઓએ જણાવ્યું કે, તમામ ડેટા એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટેડ રહેશે. 'વસ્તી ગણતરી અધિનિયમ 1948' હેઠળ આ માહિતીનો ઉપયોગ ટેક્સેશન કે કાયદાકીય બાબતો માટે થઈ શકશે નહીં; તે માત્ર આંકડાકીય હેતુઓ માટે જ ગુપ્ત રાખવામાં આવશે.

naidunia_image

કઈ વિગતો આપવી પડશે?

આવાસની વિગતો: મકાનનું મટિરિયલ, માલિકીની વિગતો, પીવાના પાણી અને શૌચાલયની સુવિધા, રાંધણ ગેસ જોડાણ વગેરે.

અસ્કયામતો: ટીવી, લેપટોપ, વાહન, ઈન્ટરનેટ સુવિધા અને વપરાશમાં લેવાતા મુખ્ય અનાજની વિગત.

વસ્તી વિષયક: ઉંમર, શિક્ષણ, વ્યવસાય, ધર્મ, માતૃભાષા અને જાતિ અંગેની વિગતવાર માહિતી.

સરકારે 'પ્રગતિ' મસ્કોટ (Mascot) સાથે નાગરિકોને આ પ્રક્રિયામાં સહકાર આપવા અપીલ કરી છે. કોઈ પણ પ્રશ્ન કે મુંઝવણ માટે ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1855 જાહેર કરવામાં આવ્યો છે.