Census 2027: ડિજિટલ ટૂલ્સના ઉપયોગ સાથે ગુજરાતમાં બે તબક્કામાં વસતી ગણતરીની તૈયારી, એપ્રિલ મહિનાથી ઘર-આવાસની માહિતી મેળવાશે

વસતી ગણતરી-2027 ચોકસાઈ, પારદર્શિતા અને ડિજીટલ ગવર્નન્સમાં બેન્ચમાર્ક સ્થાપિત કરશે: મુખ્ય સચિવ એમ. કે. દાસ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 25 Feb 2026 12:05 AM (IST)Updated: Wed, 25 Feb 2026 12:05 AM (IST)
gandhinagar-news-digital-tools-to-accelerate-census-2027-process-in-gujarat
HIGHLIGHTS
  • વસતી ગણતરી માટે ગાંધીનગરમાં પ્રિન્સિપલ સેન્સસ ઑફિસર્સની ખાસ બેઠક યોજાઈ
  • ગુજરાતમાં બે તબક્કામાં વસતી ગણતરીનું આયોજન, બીજા તબક્કામાં લોકગણના પ્રક્રિયા હાથ ધરાશે

Census 2027: ભારત સરકારના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરની કચેરી દ્વારા આયોજિત વસતી ગણતરી-2027ના પ્રથમ તબક્કાની તૈયારીઓ અંતર્ગત ગુજરાત, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર્સની વિશેષ બેઠક મુખ્ય સચિવ એમ.કે.દાસના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે યોજાઈ હતી.

આ તકે મુખ્ય સચિવ એમ.કે.દાસે જણાવ્યું કે, વસતી ગણતરી-2027 ચોકસાઈ, પારદર્શિતા અને ડિજીટલ ગવર્નન્સમાં બેન્ચમાર્ક સ્થાપિત કરશે. ભારતની વસતી ગણતરી દેશનો સૌથી મોટો અને મહત્વનો વહીવટી કાર્યક્રમ છે.

વર્ષ 2027ની વસતી ગણતરી અત્યંત મહત્વની છે, કારણ કે દરેક નીતિ નિર્ણય માટે આ આંકડા આપણા રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે જરૂરી બનશે. રાજ્યના શહેરી વિસ્તારોમાં વસતી ઝડપથી વધી રહી હોવાના કારણે આગામી વિકાસલક્ષી કાર્યોમાં આ વસતીના આંકડા પાયારૂપ સાબિત થશે. અગાઉ આ પ્રક્રિયામાં 3 થી 4 વર્ષ લાગતા હતા એવી ગણતરીમાં ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ થવાથી આ પ્રક્રિયાને વેગ મળશે.

વધુમાં તેમણે જણાવ્યું કે, વસતી ગણતરી-2027 એ માત્ર વૈધાનિક પ્રક્રિયા નથી પરંતુ એવો પાયો છે, જેના પર રાષ્ટ્રના ભવિષ્યનું આયોજન, જનહિતલક્ષી યોજનાઓના લક્ષ્યાંક અને વિકાસલક્ષી વ્યૂહરચનાઓ નિર્ભર રહેશે. જેમાં રાજ્યના દરેક જિલ્લા તેમજ શહેરી કક્ષાએ જવાબદારી સાથે ઝીણવટભર્યું આયોજન હોવું આવશ્યક છે. રાજ્ય સરકાર સર્વોચ્ચ વહીવટી સજ્જતા સાથે વસતી ગણતરી-2027 સુપેરે પાર પાડવા પ્રતિબદ્ધ છે.

ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસતી ગણતરી કમિશનર મૃત્યુંજયકુમાર નારાયણે જણાવ્યું કે, ભારતમાં પ્રથમ સમકાલીન વસતી ગણતરી વર્ષ 1881માં યોજાઈ હતી અને ત્યારબાદ વર્ષ 2011 સુધી પ્રતિ દસ વર્ષે વસતી ગણતરી અવિરત ચાલી આવી છે.

તેમણે વસતી ગણતરીની વ્યૂહરચના, રોડમેપ, કામગીરીઓ અને ડિજિટલ પાસાઓ પર વિગતે ચર્ચા કરતા જણાવ્યું હતું કે, વસતી ગણતરીની સફળતા જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોના સક્રિય નેતૃત્વ, સમર્થન અને સતત નિરીક્ષણ પર નિર્ભર છે. તેથી, આ કાર્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા તેમણે સૌ અધિકારીઓને સૂચન કર્યું હતું.

મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, આ વખતે રજિસ્ટ્રાર જનરલની કચેરી દ્વારા સમગ્ર દેશ માટે અનેક નવીન પહેલો કરવામાં આવી છે. ટેક્નોલૉજીનો વ્યાપક ઉપયોગ કરીને વસતી ગણતરીનું કાર્ય હાથ ધરવામાં આવશે, જે વાસ્તવિક સમયમાં પારદર્શિતા લાવશે અને ડેટાનું વિવિધ રીતે વિશ્લેષણ સરળ બનાવશે.

પ્રથમ વખત મકાન સૂચિકરણ તબક્કામાં પણ સ્વ-ગણતરીની ડિજીટલ સુવિધા રજૂ કરવામાં આવશે, જેમાં નાગરિકોની સક્રિય ભાગીદારી મેળવી તેમને આ કાર્યના મહત્વના ભાગીદાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

ગુજરાતના વસતી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ જણાવ્યું હતું કે, વસતી ગણતરીની કામગીરીએ વિશ્વની સૌથી મોટી અને જટિલ વહીવટી કામગીરીઓમાંની એક કામગીરી છે, જે ભારતની સંસ્થાકીય મજબૂતી દર્શાવે છે.

પ્રતિ દસ વર્ષે દેશની વસતીની આંકડાકીય માહિતીની ગણતરી હાથ ધરવામાં આવે છે. જેની વિગતો વિવિધ સંસાધનોની ફાળવણી, શહેરી આયોજન, કલ્યાણ યોજનાઓ અને લક્ષિત હસ્તક્ષેપો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આગામી 2027ની વસતી ગણતરી વધુ વિશેષ એટલા માટે છે કે, તે ડેટા-આધારિત અને ટેક્નોલોજી-સુસજ્જિત શાસનના યુગમાં થઈ રહી છે.

આ ઉપરાંત બેઠકમાં ગુજરાતના વસતી ગણતરી નિયામકની કચેરી દ્વારા વિવિધ વહીવટી અને તકનીકી પાસાઓ પર વિગતવાર પ્રેસન્ટેશન સાથે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં HLO Phase-I હેઠળ રાજ્યમાં મકાનો, રહેણાંક એકમો અને ઘરોની વિગતવાર યાદી તૈયાર કરવાની કામગીરીનું આયોજન, તાલીમ, કર્મચારીઓની નિમણૂક અને ડિજિટલ સ્વ-ગણતરી (Self-Enumeration)ની સુવિધા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, 2027ની વસતી ગણતરી બે તબક્કામાં યોજાશે જેમાં પહેલા તબક્કામાં ઘર યાદી અને આવાસ ગણતરી (House Listing & Housing Census) થશે જ્યારે બીજા તબક્કામાં વસતી ગણતરી (Population Enumeration) હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં HLOની કામગીરી આગામી એપ્રિલ-મે વર્ષ 2026 દરમિયાન શરૂ થશે, જેમાં નાગરિકોને ઓનલાઈન સ્વ-માહિતી ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.