Gujarat CBDC Scheme: ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને હસ્તકલાને વૈશ્વિક મંચ પૂરો પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા 'ક્રાફ્ટ બિઝનેસ ડેવલપમેન્ટ સેન્ટર' (CBDC) યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ મહત્વાકાંક્ષી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક કારીગરોને આધુનિક તાલીમ, માર્કેટિંગ સપોર્ટ અને આર્થિક સહાય આપીને તેમના વ્યવસાયને ડિજિટલ યુગ સાથે જોડવાનો છે.
યોજના હેઠળ મળવાપાત્ર નાણાકીય સહાય
આ યોજના અંતર્ગત માળખાગત સહાય રૂપે સેન્ટર ઉભું કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 10 વર્ષની મુદત સુધી રૂ. 7 કરોડના પ્રોજેક્ટ ખર્ચ ઉપર 70 ટકા નાણાકીય સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત કારીગરો માટે અન્ય વિવિધ સહાય પણ ઉપલબ્ધ છે:
- તાલીમ સહાય: કારીગરોને નવી ડિઝાઈન શીખવા માટે સ્ટાઈપેન્ડ (દૈનિક ભથ્થું) આપવામાં આવે છે.
- ટૂલકિટ સહાય: આધુનિક સાધન-સામગ્રી અને ઓજારો ખરીદવા માટે સબસિડી અથવા કિટ આપવામાં આવે છે.
- પ્રદર્શન સહાય: હસ્તકલા મેળા કે પ્રદર્શનોમાં સ્ટોલ રાખવા માટે ભાડામાં રાહત કે મુસાફરી ભથ્થું અપાય છે.
- માળખાગત સહાય: સેન્ટર ઉભું કરવા માટે પ્રોજેક્ટ આધારિત નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે
આ સહાય ડાયગ્નોસ્ટીક સર્વે, ડીઝાઇન અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ, રો મટીરીયલ બેંક, બજાર વ્યવસ્થાપન, જાહેરાત તેમજ નિકાસ માટેના પ્રભાગમાં આપવામાં આવે છે. જેથી પરંપરાગત હસ્તકલાનું સંવર્ધન થાય અને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઉભી કરી શકાય.
કોણ લઈ શકે છે આ યોજનાનો લાભ?
આ યોજનાનો લાભ હસ્તકલા અથવા હાથશાળ ક્ષેત્રે સંકળાયેલા વ્યક્તિગત કારીગરો, મહિલા મંડળો કે કારીગરોના નાના સ્વ-સહાય જૂથો (SHGs), રજિસ્ટર્ડ સહકારી મંડળીઓ અને કારીગરોના ઉત્થાન માટે કામ કરતી બિન-સરકારી સંસ્થાઓ (NGOs) લઈ શકે છે.
- અરજદાર ગુજરાતનો કાયમી વતની હોવો જોઈએ.
- અરજીદારની ઉંમર સામાન્ય રીતે 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- કારીગર પાસે જે-તે કળાનું પાયાનું જ્ઞાન અથવા અનુભવ હોવો જરૂરી છે.
- વિકાસ કમિશનર (હસ્તકલા) દ્વારા આપવામાં આવેલું 'આર્ટિઝન ઓળખપત્ર' (I-Card) હોવું અનિવાર્ય છે.
ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને બજાર વ્યવસ્થાપન
માત્ર આર્થિક અને સાધન સહાય જ નહીં, પરંતુ CBDC યોજના હેઠળ તૈયાર થયેલા ઉત્પાદનોને સીધું બજાર પૂરું પાડવાની પણ વ્યવસ્થા છે. કારીગરોના ઉત્પાદનોને 'ગરવી ગુર્જરી' જેવા સરકારી વેચાણ કેન્દ્રો પર મુકવા તેમજ એમેઝોન (Amazon) અને ફ્લિપકાર્ટ (Flipkart) જેવા અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઓનલાઈન વેચવા માટે વિશેષ માર્ગદર્શન અને ટેકો આપવામાં આવે છે.
CBDC યોજના માટે અરજી કેવી રીતે કરવી?
આ યોજના માટેની અરજી પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી કરવાની રહે છે.
- ઓનલાઈન પ્રક્રિયા: અરજદારે ગુજરાત સરકારના 'કુટીર અને ગ્રામોદ્યોગ કમિશનરશ્રીની કચેરી'ની સત્તાવાર વેબસાઇટ અથવા 'Cottage Gujarat' પોર્ટલ પર જઈને નોંધણી કરવાની હોય છે.
- જરૂરી દસ્તાવેજો: ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ, રેશન કાર્ડ, આર્ટિઝન આઈ-કાર્ડ, બેંક પાસબુકની નકલ અને અનુભવનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહે છે.
- જિલ્લા કચેરીમાં સબમિશન: ઓનલાઈન અરજી સફળતાપૂર્વક થયા બાદ, તેની પ્રિન્ટ કાઢીને જરૂરી પુરાવા સાથે જે-તે જિલ્લાના 'જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર' (DIC) માં જમા કરાવવાની રહેશે.
