eSARAS Platform: તહેવારોની રંગત જ કંઈક અનોખી હોય છે! ઘરના આંગણે રંગોળીના રંગો ખીલે, દીવડાંની ઝગમગાટથી ઘર રોશન થાય, દરવાજે સુંદર તોરણ શોભે અને પરિવારના સભ્યો માટે નવીન વસ્ત્રો તથા પ્રિયજનો માટે ખાસ ભેટસોગાદોની ખરીદી શરૂ થાય... ભારતીય સંસ્કૃતિમાં તહેવારો માત્ર ઉજવણી નથી, પરંતુ પરંપરા, લાગણી અને ખુશીઓની વહેંચણીનો અવસર છે. આ અવસર પર જો ગૃહ સજાવટ, વિવિધ પ્રાદેશિક હસ્તકલાના પરિધાન, પરંપરાગત વ્યંજનો જો એક ક્લીક પર ઘરના આંગણે પહોંચે તો તહેવારની રંગત વધુ ખીલે.
તમારા ઘરની સુંદરતા વધારતું તોરણ હોય કે સુંદર કલાકૃતિ જે ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથની બહેનની મહેનતનું પરિણામ હોય. આ માત્ર ખરીદી નથી, પરંતુ તેમના આત્મનિર્ભરતાના પ્રયાસમાં ભાગીદાર બનવાની એક સુંદર તક છે. આ માટે બજારમાં જવાની જરૂર નથી, પરંપરાગત ખજાનો તમારા મોબાઈલના માધ્યમથી ઉપલબ્ધ છે.
આવી જ એક અનોખી પહેલ છે ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળ દીનદયાલ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન- DAY-NRLM દ્વારા વિકસિત eSARAS- સરસ આજીવિકા પોર્ટલ. આ પ્લેટફોર્મ મહિલા સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરવામાં આવતાં ઉત્પાદનોને ઓનલાઈન બજાર પૂરું પાડે છે. અહીં ખરીદીની સુવિધા સાથે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને ગ્રામ્ય મહિલાઓની સર્જનાત્મકતાનો અનોખો પરિચય પણ મળે છે. ખાદ્ય અને ફૂડ પ્રોસેસિંગ ઉત્પાદનો, હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનો, માટીકામ અને સુશોભનની વસ્તુઓ, કૃષિ અને પશુપાલન આધારિત ઉત્પાદનો, ગૃહ ઉપયોગી વસ્તુઓ જેવી વિવિધ શ્રેણીઓના ઉત્પાદનો આ માધ્યમ પર ઉપલબ્ધ છે.
eSARAS આ મહિલાઓને ડિજિટલ બજાર સાથે જોડીને તેમની કારીગરીને વ્યાપક ઓળખ અપાવવામાં મદદરૂપ બની રહ્યું છે. આ પ્લેટફોર્મ પર ૧૪૦૦ વધુ ઉત્પાદનો લિસ્ટેડ છે. ONDC અને UMANG જેવા ડિજિટલ પ્લેટફોર્મ્સ સાથેનું એકીકરણ પણ મહિલા કારીગરોને ડિજિટલ બજારની તકો સાથે જોડવામાં મદદરૂપ બની રહ્યું છે.
ગુજરાતની બાંધણીથી બિહારની મધુબની કળાની પેન્ટિગ સુધી ભારતની કારીગરીનો ઉત્સવ! ભારતની વિશેષતા તેની વિવિધતામાં છે અને આ વિવિધતા તેની હસ્તકલામાં પણ જોવા મળે છે. ગુજરાતનું પરંપરાગત ભરતકામ અને બાંધણી, છત્તીસગઢના વિવિધ લોહ શિલ્પ,રાજસ્થાનની આરસપહાણની કલાત્મક કૃતિઓ eSARAS પર એક જ ડિજિટલ પ્લેટફોર્મ હેઠળ ઉપલબ્ધ છે.
ગુજરાતની ગ્રામીણ મહિલાઓ માટે પણ આ એક નવી સંભાવનાઓનું દ્વાર છે. વર્ષોથી પોતાના હાથની કળાથી સુંદર ઉત્પાદનો તૈયાર કરતી બહેનો હવે સ્થાનિક બજારની મર્યાદાઓથી આગળ વધીને દેશભરના ગ્રાહકો સુધી પહોંચી શકે છે. તેમની કારીગરીને યોગ્ય બજાર અને ઓળખ મળે તે દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ બની રહી છે. તો આ તહેવારે પરંપરાગત કારીગરીને અપનાવો, ડિજિટલ શોપિંગની સુવિધાનો લાભ લો અને eSARASની મુલાકાત લઈને ગ્રામ્ય ભારતની સર્જનાત્મક દુનિયાને જાણો.eSARAS – તમારી એક ક્લિક, કારીગરની કળાને નવી ઓળખ અને આત્મનિર્ભર ભારત તરફ એક પગલું
