Gandhinagar Akshardham Deepotsav 2026: ગુજરાત સહિત સમગ્ર દેશમાં દિવાળીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગર સ્થિત અક્ષરધામ સ્વામિનારાયણ મંદિરમાં સતત 34માં વર્ષે પ્રકાશના આ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અક્ષરધામ મંદિર પરિસરમાં 10 હજાર દીવડાઓની ઝળહળતી રોશની વચ્ચે આગામી 15 નવેમ્બર સુધી દિવ્ય દિપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગરના સેક્ટર 20માં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીથી દેવદેવાળી સુધી દીપોત્સવની પરંપરા સતત 34માં વર્ષે પણ જાળવી રાખવામાં આવી છે. દીપોત્સવ નિમિત્તે મંદિર પરિસરને ખાસ શણગારવામાં આવ્યું છે. સાંજે 6 થી રાતના 8 વાગ્યા સુધી દીવડાઓની રોશની વચ્ચે અક્ષરધામ મંદિરનું અલૌકિક સૌદર્ય નિહાળવાનો લહાવો કંઈક અલગ જ છે.
આ સાથે જ રંગબેરંગી રોશનીથી સજ્જ ગ્લો ગાર્ડન તેમજ મંદિરના ગાર્ડનમાં હરિભક્તો દ્વારા તૈયાર કરવામાં આવેલી સુંદર રંગોળી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. સંધ્યાટાણે હજારો દીવાઓના દિવ્ય પ્રકાશથી ઝગમગતા અક્ષરધામ પરિસરમાં એક અલગ જ અલૌકિક માહોલ સર્જાય છે. અહીંના લીલાછમ બગીચાઓમાં પથરાયેલું ‘ગ્લો ગાર્ડન’ અને ‘નીલકંઠ વાટિકા’ની આકર્ષક રોશની મુલાકાતીઓનું મન મોહી લે છે.
તેમજ મુલાકાતીઓની સુવિધા ખાતર 9 નવેમ્બર, સોમવારના રોજ પડતર દિવસ હોવા છતાં અક્ષરધામ મંદિર પરિસર ખુલ્લુ રાખવામાં આવશે. આથી સોમવારે પણ લોકો મંદિરના વિવિધ પ્રદર્શનીઓ તેમજ વૉટર શૉ નિહાળી શકશે.
