Banaskantha: બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં છેલ્લા બે દિવસથી સતત આગના બનાવો બની રહ્યા છે. ગઈકાલે રાતના સમયે પાલનપુર GIDC વિસ્તારમાં આવેલા બે ગોડાઉનોમાં ભડકેલી આગ ફાયર ફાઈટરો માંડ-માંડ કાબુમાં લીધી હતી. જેના બીજા દિવસે શહેરની માવજત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગની ઘટના સામે આવતા અફરાતફરી મચી જવા પામી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, પાલનપુર શહેરની જાણીતી માવજત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના બીજા માળ અને ધાબાના ભાગે ભડકેલી આગે જોત-જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. જેના પગલે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ, તેમના સ્વજનો અને હોસ્પિટલ સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી.
આ પણ વાંચો
આગ લાગતા જ હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓના સગાઓ દ્વારા તાત્કાલિક તમામ દર્દીઓને વોર્ડની બહાર લઈ જવામાં આવ્યા હતા. ખાસ કરીને ગંભીર દર્દીઓને ઓક્સિજનની બોટલ સાથે શિફ્ટ કરવામાં આવ્યા હતા.
બીજી તરફ આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી. જ્યાં ભારે જહેમતે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ બાબતની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય અનિકેત ઠાકર પણ માવજત હોસ્પિટલ દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ થોડા સમય માટે ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં હોસ્પિટલમાં રસોડામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધાબા સુધી પહોંચી ગઈ હોવાનું સામે આવ્યું છે.
