HPV Vaccination Drive: મહિલાઓમાં થતા સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) સામે રાજ્યની દીકરીઓને સુરક્ષિત કરવાના ઉમદા હેતુ સાથે ગુજરાતમાં ‘HPV રસીકરણ અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે.
આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં રાજ્યની પાંચ લાખથી વધુ દીકરીઓને HPV રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતે નિર્ધારિત લક્ષ્યાંકના 90 ટકા લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે તેમ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માર્ગદર્શનમાં શરૂ કરાયેલું રાષ્ટ્રવ્યાપી અભિયાન ગુજરાતમાં નોંધપાત્ર સફળતા મેળવી રહ્યું છે. આ રસીકરણ અભિયાનના કારણે ગંભીર આડઅસરનો એક પણ કિસ્સો નોંધાયો નથી, જે સાબિત કરે છે કે આ રસી 100 ટકા સુરક્ષિત છે.
રાજ્યની તમામ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલો, સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો, તેમજ CHC, PHC અને UPHC કેન્દ્રો પર ૧૪ વર્ષની તમામ દીકરીઓ માટે આ રસી ઉપલબ્ધ છે.
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ રાજ્યના તમામ માતા-પિતાને અપીલ કરતા જણાવ્યું છે કે, મે મહિનાના અંત સુધી ચાલનારા આ અભિયાનનો લાભ લેવાનો બાકી હોય તેવી 14 વર્ષની વય ધરાવતી તમામ દીકરીઓએને વિલંબ કર્યા વગર નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર પરથી રસી લેવડાવી જોઈએ.
સોશિયલ મીડિયા પર ફેલાતી વૈજ્ઞાનિક તથ્ય વગરની ભ્રામક અફવાઓથી દૂર રહી, દીકરીઓના સુરક્ષિત ભવિષ્ય માટે આ રસીકરણ અભિયાનમાં સહભાગી થવા મંત્રીએ અનુરોધ કર્યો હતો.
