Gandhinagar Congress Protest: ગુજરાતમાં કથિત પોલીસ દમન, તાનાશાહી અને ખોટા પોલીસ કેસોના આક્ષેપ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે 26 ઓક્ટોબરના રોજ ગાંધીનગરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને જિગ્નેશ મેવાણીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કાર્યકરો ગુજરાત પોલીસ ભવન ખાતે DGP ને આવેદનપત્ર આપવા માટે ઉમટી પડ્યા હતા.
ગાંધીનગરના પોલીસ ભવન પહોંચતા પહેલા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. આ દરમિયાન અમિત ચાવડા સહિતના આગેવાનો બેરિકેડિંગને ધક્કા મારતા જોવા મળ્યા હતા, અને કાર્યકરો બેરિકેડ તોડીને પોલીસ ભવનના પરિસરમાં ઘૂસી ગયા હતા. ગેટની બહાર પણ મોટી સંખ્યામાં એકત્ર થયેલા કાર્યકરોએ ભાજપ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ વિરોધ અને હંગામાના અંતે અમિત ચાવડા અને જિગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના મુખ્ય આગેવાનોને DGP જ્ઞાનેન્દ્ર સિંહ મલિકને આવેદનપત્ર આપવા માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો. DGP ને આવેદનપત્ર આપ્યા બાદ જિગ્નેશ મેવાણીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, જો એજન્ટ બનીને કામ કરતા પોલીસ કર્મચારીઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ, આગેવાનો કે ધારાસભ્યોને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરશે તો કોંગ્રેસ ચૂપ રહેશે નહીં.
જિગ્નેશ મેવાણીએ વધુમાં ઉમેર્યું હતું કે ગેરકાયદે સંપત્તિ, દારૂ અને ડ્રગ્સના કૌભાંડો આચરીને સંપત્તિ ભેગી કરનારા લોકો સામે ED, CBI અને ઈનકમ ટેક્સમાં લેખિત ફરિયાદો કરીને કાર્યવાહી કરાવવામાં આવશે. પોતાની સામે નોંધાયેલી કાર્યવાહી અંગે બોલતા જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, "બે FIR કરી મારી સામે, કેવું લાગ્યું ઉડતું તીર?"
કોંગ્રેસ નેતા લાલજી દેસાઈએ પણ ગુજરાત પોલીસ વિભાગની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યો કે, ખાખી વર્દી પહેરેલી પોલીસ RSS જેવા પ્રકારનું વર્તન કરી રહી છે. છેલ્લા 5 વર્ષમાં જનતાના મુદ્દે લડવા બાબતે ભાજપના એક પણ કાર્યકર સામે કેસ થયો હોય તેવો દાખલો બતાવો. જ્યારે બીજી બાજુ જનતાની, જમીનની, ગૌચરની અને માનવ અધિકારોની લડાઈ લડતા કોંગ્રેસના કાર્યકરો પર જ FIR નોંધવામાં આવે છે.
