Gandhinagar Moya Moya disease case: ગુજરાતમાં અત્યંત દુર્લભ 'મોયા મોયા' બીમારીનો પ્રથમ કિસ્સો પાટનગર ગાંધીનગરમાં બન્યો હતો. આ બીમારીનો ભોગ બનેલો યુવક હર્ષ છેલ્લાં આઠ વર્ષથી પથારીવશ હતો. લાખો રૂપિયાના ખર્ચ બાદ પણ કોઈ સુધારો ન થયો, પરંતુ ગાંધીનગરની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં માત્ર 35 દિવસ સારવાર લીધા બાદ યુવક પોતાના પગે ચાલતો થયો છે.
લાખો રૂપિયાનો ખર્ચ અને 8 વર્ષનો સંઘર્ષ
'મોયા મોયા' બીમારીથી પીડાતો યુવક હર્ષ ગાંધીનગરના સેક્ટર-26માં પરિવાર સાથે રહે છે. કલોલની અરવિંદ મિલમાં કામ કરતા તેના પિતા દિલીપસિંહ બિહોલાએ જણાવ્યું કે, હર્ષને વર્ષ 2016માં પ્રથમ વખત સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ 2018 માં આવેલા બીજા સ્ટ્રોકે તેને સંપૂર્ણપણે પથારીવશ કરી દીધો હતો.
દિલીપસિંહએ પુત્રને સાજો કરવા માટે ગાંધીનગર, અમદાવાદ, મુંબઈ અને દિલ્હીના નામાંકિત તબીબોના ઉંબરા ઘસ્યા હતા, ત્યારે તપાસમાં જાણવા મળ્યું કે હર્ષને 'મોયા મોયા' નામની જટિલ બીમારી થઈ છે. આ બીમારીની એલોપેથી સારવાર માટે, નાભિમાં 18 હજારની કિંમતના મોંઘા ઇન્જેક્શનો અને ભારે એન્ટીબાયોટિક્સ પાછળ પિતાએ અંદાજે 40 થી 50 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હતા.
"ડૉ. રાકેશ ભટ્ટ અમારા માટે દેવદૂત સાબિત થયા છે. જે બીમારી પાછળ લાખો રૂપિયા હોમી દીધા અને આશા છોડી દીધી હતી, ત્યાં આયુર્વેદે તેમના દીકરાને નવજીવન આપ્યું છે અને તેમને પૂરો વિશ્વાસ છે કે બાકીની સારવારથી હર્ષ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે." -- દિલીપસિંહ બિહોલા (હર્ષના પિતા)
આયુર્વેદિક પંચકર્મ ચિકિત્સાથી મળ્યું નવજીવન
લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ આખરે પરિવારે પુત્રની આયુર્વેદિક સારવાર કરાવવાનો નિર્ણય કર્યો, અને તેઓ સેક્ટર-22 ની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં પહોંચ્યા. અહીં પંચકર્મ નિષ્ણાત ડૉ. ભટ્ટે હર્ષની નાડી તપાસીને આયુર્વેદિક પદ્ધતિથી નિદાન કરી તદ્દન મફત પંચકર્મ ચિકિત્સા શરૂ કરી હતી. અને માત્ર 35 દિવસમાં ચમત્કારિક પરિણામ સામે આવ્યું.
જે હર્ષ બે વ્યક્તિના ટેકા વગર ઊભો પણ થઈ શકતો નહોતો, તે આજે 70 ટકા જેટલો સ્વસ્થ થઈને હોસ્પિટલના કોરિડોરમાં જાતે હરતો-ફરતો થઈ ગયો છે. સારવાર અર્થે હર્ષરાજ જ્યારે હોસ્પિટલ આવ્યો ત્યારે તેની વિચારશક્તિ, યાદશક્તિ અને એકાગ્રતા નબળી હતી અને તે બેલેન્સ રાખી શકતો નહોતો.
"આયુર્વેદમાં આ બીમારીની અસાધ્ય રોગોમાં ગણતરી કરી છે, પરંતુ દર્દી નોર્મલ લાઈફ સાથે જીવી શકે છે. મોયા મોયા રોગનો આ ત્રીજો કેસ અહીં આવ્યો છે, અગાઉ દિલ્હીના બે દર્દીઓને સારવાર અપાઈ હતી અને ગુજરાતનો આ પ્રથમ કેસ હર્ષ બિહોલાનો છે." -- ડૉ. રાકેશ ભટ્ટ (પંચકર્મ નિષ્ણાત)
શું છે આ દુર્લભ 'મોયા મોયા' બીમારી?
મોયા મોયા એ રક્તવાહિનીઓને લગતી અત્યંત દુર્લભ બીમારી છે, જેનો જાપાનીઝ ભાષામાં અર્થ 'ધુમાડાના ગોટા' જેવો થાય છે. આ રોગમાં મગજને લોહી પહોંચાડતી મુખ્ય નળીઓ બ્લોક થઈ જાય છે. જેના કારણે મગજ પોતાનો રસ્તો બનાવવા નાની નાની અસંખ્ય રક્તવાહિનીઓ વિકસાવે છે, જે એક્સ-રે કે સ્કેનિંગમાં ધુમાડા જેવી દેખાય છે.
આ પણ વાંચો: HPV Vaccination: ગુજરાતમાં HPV રસીકરણ અભિયાન થકી 5 લાખથી વધુ દીકરીઓને સુરક્ષા કવચ મળ્યું
'મોયા મોયા' બીમારીના લક્ષણો
- દર્દીને વારંવાર સ્ટ્રોક આવવા, લકવો મારવો અથવા માનસિક ક્ષમતા ઘટવા જેવા લક્ષણો જોવા મળે છે.
- આ રોગ મોટેભાગે જાપાન, કોરિયા અને ચીનમાં જોવા મળે છે. ભારતમાં તેના કેસ જૂજ હોય છે.
- નાના બાળકો અને 40 વર્ષથી ઉપરના લોકોને આ રોગ થવાની શક્યતા વધારે હોય છે.
- રક્તવાહિનીઓ સાંકડી થવાથી અને બ્લોકેજ થવાથી ઓક્સિજન પૂરતો પહોંચતો નથી. જેના કારણે ખેંચ, હાથ-પગમાં શૂન્યતા અને નબળાઈ આવી શકે છે.
