Gujarat Budget 2024 Date And Time: આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થઈ ગયો છે અને આવતીકાલે 2 ફેબ્રુઆરીના રોજ નાણાંકીય વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કરવામાં આવનાર છે. નાણાંમંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરવાના છે. આ બજેટ સત્ર 29 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે.
રાજ્ય સરકારના એક મંત્રીએ કહ્યું કે, બજેટ આગામી વર્ષ માટે રાજ્ય સરકારના દ્રષ્ટિકોણ અને આગામી 25 વર્ષોના રોડ મેપને પ્રતિબિંબત કરશે. આ સાથે જ સરકારે વિપક્ષથી અનુરોધ કર્યો છે કે, રામ મંદિરના અભિનંદન પ્રસ્તાવને સર્વસંમતિથી પારિત કરવામાં આવે.
વિપક્ષી કોંગ્રેસ કહ્યું કે, તેઓ મોંઘવારી, બેરોજગારી અને હાલમાં જ વડોદરામાં એક તળાવમાં બોટ પલટવાની ઘટના સહિત ઘણા મુદ્દે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકારને ઘેરશે, જેના પરિણામે 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના મોત થયા હતા.
આજે બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થઈ હતી.
વિધાનસભા ગૃહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનમાં મુખ્ય બાબતો:
- પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આજ સુધીમાં 15 હપ્તામાં કુલ રૂપિયા 15,407.82 કરોડની રકમ 64.13 લાખ લાભાર્થી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધી જમા કરવામાં આવી છે.
- ખેડૂતોને બાગાયતી પાકો માટે અદ્યતન ટેકનોલોજી પ્રદાન કરવાના હેતુથી રાજ્યમાં અમદાવાદ, જામનગર અને ખેડામાં તથા નર્મદા, પંચમહાલ અને અરવલ્લીમાં નવા સેન્ટર ઓફ એક્સલન્સ નિર્માણ પામી રહ્યા છે.
- ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરાદ, ધાનેરા, ડીસા, દિયોદર અને કાંકરેજ તાલુકાઓના ગામોને બે નવી પાઈપલાઇન યોજનાઓની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાથી 15,000 હેક્ટર કરતાં વધુ વિસ્તારને સિંચાઈનો લાભ થશે.
- સરદાર સરોવર નર્મદા યોજનાની વડોદરા, મિયાગામ, સૌરાષ્ટ્ર અને કચ્છ શાખા નહેર ઉપર જુદી જુદી જગ્યાએ લઘુ વીજમથકોના બાંધકામની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ વીજ મથકોથી 85.46 મેગાવૉટ વીજ ઉત્પાદન કરવાનું આયોજન છે.
- ગુજરાતમાં વર્ષ 2021-22માં સરેરાશ માથાદીઠ વીજ વપરાશ 2283 યુનિટ હતો, જે વર્ષ 2022-23માં 2402.49 યુનિટ થયો છે. કોઈપણ રાજ્યના સામાજિક અને આર્થિક વિકાસ માટે વીજળી એક મુખ્ય જરૂરી માપદંડ છે, જે રાજ્યના વિકાસને પ્રતિબિંબિત કરે છે.
- ગુજરાત ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનમાં વૈશ્વિક લીડર તરીકે ઉભરી આવવા માટે સક્ષમ અને તૈયાર છે. તાજેતરમાં ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટે પાવર સપ્લાય કરવા રાજ્ય સરકારે આર.ઈ. પ્રોજેક્ટસના વિકાસ માટે જમીન નીતિ-2023 જાહેર કરી છે અને વિકાસકર્તાઓને ફાળવણી માટે બે લાખ હેક્ટર જેટલી જમીન નિર્ધારિત કરી છે. પરિણામે લગભગ 40 લાખ વાર્ષિક મેટ્રિક ટન ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન ક્ષમતા હાંસલ થશે.
- વૈશ્વિક કક્ષાના નાણાકીય કેન્દ્ર તરીકે વિકસી રહેલા ગિફ્ટ સિટીમાંથી થતી નિકાસ જે નાણાકીય વર્ષ 2020-21માં રૂપિયા 3,402 કરોડ હતી તે વર્ષ 2022-23માં વધીને રૂપિયા 12,325 કરોડ અને નાણાકીય વર્ષ 2023-24માં ડિસેમ્બર 2023 સુધીમાં રૂપિયા 19,317.19 કરોડ થઈ છે.
- મત્સ્યોધ્યોગ પ્રવૃત્તિ ને વેગ આપવા માટે રૂપિયા 1300 કરોડના ખર્ચે વેરાવળ, માઢવાડ અને સુત્રાપાડામાં મત્સ્ય બંદરો વિકસાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
- જે જિલ્લામાં પેન્શનરોની સંખ્યા વધુ છે એવા જિલ્લાઓમાં પેન્શનરોને હાલાકી ન પડે તે માટે પેન્શન ચૂકવવાના કચેરી અલગ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને સુરત જિલ્લાઓમાં અલગ પેન્શન ચૂકવવાના કચેરી શરૂ કરવામાં આવી છે.
- વડોદરા, આણંદ, જામનગર, ભરૂચ અને વ્યારામાં કાર્યરત સરકારી ગ્રંથાલયોને 'સ્માર્ટ ગ્રંથાલય' તરીકે વિકસાવવાની કામગીરી અને રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલય, ગાંધીનગરના આધુનિકરણની કામગીરી પ્રગતિ હેઠળ છે.
- રાજ્ય સરકારના ઘાસ સુધારણા કાર્યક્રમથી ઘાસ ઉત્પાદનમાં અકલ્પનીય સિદ્ધિ મળી છે. છેલ્લા દસ વર્ષમાં ઘાસના ઉત્પાદનમાં 3.53 ઘણી વૃદ્ધિ હાંસલ થઈ છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
