Gujarat Assembly Session: રાજ્યને કુપોષણમુક્ત બનાવવાનો સરકારનો સંકલ્પ, પુરક પોષણ યોજના હેઠળ 878 અને પૂર્ણા યોજના હેઠળ 344 કરોડની જોગવાઇ

By: Rajendrasinh ParmarEdited By:Rajendrasinh ParmarPublish Date: Wed, 07 Feb 2024 03:11 PM (IST)Updated: Wed, 07 Feb 2024 03:11 PM (IST)
gujarat-assembly-session-state-government-has-made-a-special-provision-in-the-budget-to-combat-malnutrition

Gandhinagar News: વિધાનસભા ગૃહમાં કુપોષણ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા રાજ્યમાં કુપોષણની સ્થિતિ અંગે વાત કરી હતી. કુપોષણ એક વિષચક્ર છે. આ વિષચક્રને તોડવા માટે તમામ સ્તરે પ્રયત્નો કરવા પડશે. રાજ્યને કુપોષણમુક્ત બનાવવા માટે સરકાર સંકલ્પબદ્ધ છે. પોષણને વિશેષ પ્રોત્સાહિત કરવાના હોલિસ્ટિક એપ્રોચ સાથે રાજ્ય સરકારે અંદાજપત્રમાં ખાસ જોગવાઇ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલ સુત્ર "હર ઘર પોષણ" ને જનઆંદોલનના ભાગ રૂપે લઇ જવાશે. કુપોષણને નાથવા માટે નાગરિકોના વર્તનમાં પરિવર્તન લાવવું ખૂબ જરૂરી છે. દરેક નાગરિકે પોતાના આરોગ્ય અને પોષણ માટેની જાગૃતિ કેળવવી પડશે.

આંગણવાડીના બાળકોમાં કુપોષણની સ્થિત અંગે ભાનુબેન બાબારીયાએ જણાવ્યુ હતું કે, કુપોષણ એ માત્ર ગરીબોમાં જ છે એવુ નથી કુપોષણ એ સમૃદ્ધ પરિવારોમાં પણ જોવા મળે છે. અલ્પ પોષણ અને અતિ પોષણ બન્ને કુપોષણના પ્રકાર છે.અલ્પ-પોષણ માટે અનેક કારણો જવાબદાર છે એમાં જન્મ સમયની સ્થિતી, બાળકના જન્મનો ક્રમ, માતાનું આરોગ્ય, સામાજિક-આર્થિક સ્થિતી, રહેણી –કરણી,ખાન-પાનની ટેવો, કોઇ ચેપ, કૃમિ, વ્યસન વગેરે જેવી અનેક પરિસ્થિતી અસર કરે છે. આમ અનેક કારણો કુપોષણ માટે જવાબદાર છે. આજે શું ખાવુ અને શુ નખાવુ તે માહિતીના અભાવે લોકો કુપોષણનો શિકાર બને છે.

પૂરક પોષણ યોજના અંતર્ગત 3થી 6 વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે 878 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓને વિતરણ કરવામાં આવતા ટેક હોમ રાશન માટે 344 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રીમાતાને એક હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી બે કિલો ચણા, એક કિલો તુવેરદાળ અને એક લિટર ખાદ્યતેલ આપવામાં આવે છે. જેના માટે 322 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પોષણ સુધા યોજના હેઠળ 106 આદિજાતિ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને ગરમ ભોજન આપવા માટે 129 કરોડની જોગવાઇ કરાઈ છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.