GMC Election 2026: રાજ્ય ચૂંટણી આયોગ, ગુજરાત દ્વારા રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય તથા પેટાચૂંટણીઓ માટે આજ રોજ મતદાન થવા જઈ રહ્યું છે. આ ચૂંટણીઓમાં ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar Municipal Corporation) સહિત વિવિધ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોનો સમાવેશ થાય છે.
ચૂંટણી પંચ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અખબારી યાદી અનુસાર, ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ઉપરાંત ઓખા, ધરમપુર, મેસાણા, છોટાઉદેપુર અને બાયડ નગરપાલિકાઓની વિવિધ બેઠકો તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની 3-ભાણવડ બેઠક અને રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા પંચાયતની પેટાચૂંટણી માટે પણ મતદાન યોજાશે.
આ પણ વાંચો
ગાંધીનગર મનપા ચૂંટણી માટે 295 મતદાન મથકો પર વોટિંગ
ગાંધીનગર કોર્પોરેશનની 11 વોર્ડની 44 બેઠકો માટે 295 મતદાન મથકો પર મતદાન યોજાવાનું છે. જેના માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ મળીને કુલ 130 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે આજે 2,59,780 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 1,32,457 પુરુષ અને 1,27, 314 મહિલા મતદારો નોંધાયા છે.
ગાંધીનગર મનપા ચૂંટણી માટે 273 જેટલા બુથ ઉપર એક કંટ્રોલ યુનિટ અને એક બેલેટ યુનિટ રહેશે. જ્યારે વોર્ડ નંબર 14થી વધુ ઉમેદવારો ઉભા રહ્યા હોવાથી અહીંના 22 બુથો પર બે કંટ્રોલ યુનિટ અને બે બેલેટ યુનિટ ગોઠવવામાં આવશે. આ ઉપરાંત ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
મતદાનનો સમય સવારે 7 કલાકથી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. મતદારોને પોતાનું મતદાન મથક અગાઉથી જાણી લેવા અને મતદાન માટે જરૂરી ઓળખપત્ર સાથે સમયસર મતદાન મથકે પહોંચવા આયોગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
મતદાન માટે મતદારે મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) રજૂ કરવાનું રહેશે. જો મતદાર પાસે EPIC ઉપલબ્ધ ન હોય, તો રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા માન્ય વૈકલ્પિક ઓળખપત્ર રજૂ કરીને મતદાન કરી શકાશે.
ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો પર કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવશે. રાજ્ય ચૂંટણી આયોગે તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં સક્રિય ભાગીદારી નોંધાવી પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે.
