ગાંધીનગર: ધોળાકુવામાં ગાંજાના વેચાણનો પર્દાફાશ, એક આરોપી ઝડપાયો; અન્ય બે શખ્સ વોન્ટેડ

ત્રણેય આરોપીઓ ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર સવિતાબેન ઠાકોરના ભત્રીજા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 28 Nov 2026 05:34 PM (IST)Updated: Sat, 28 Nov 2026 05:34 PM (IST)
gandhinagar-dholakuva-ganja-racket-infocity-police-arrested-one-accused-two-wanted

Gandhinagar News: ગાંધીનગરના ધોળાકુવા ગામે ઠાકોરવાસ વિસ્તારમાં ગાંજાના વેચાણના નેટવર્કનો ઈન્ફોસિટી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસ અને FSL ટીમે દરોડો પાડી અમિત ઠાકોર નામના યુવકની ધરપકડ કરી અનિલ ઠાકોર અને નિકુલ ઠાકોરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ તપાસ અનુસાર, ત્રણેય આરોપી ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર સવિતાબેન ઠાકોરના ભત્રીજા છે.

ધોળાકુવા ગામે ઠાકોરવાસના મકાનમાં દરોડો

પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ મથકની ટીમને બાતમી મળી હતી કે ધોળાકુવાના ઠાકોરવાસ વિસ્તારમાં રહેતા અનિલ ઉર્ફે પિન્ટુ નાથાજી ઠાકોર, નિકુલ નાથાજી ઠાકોર અને અમિત વિષ્ણુજી ઠાકોર પોતાના મકાનમાં ગાંજાની નાની-નાની પડીકી બનાવીને વેચાણ કરે છે.

આ બાતમીના આધારે પોલીસ ટીમે FSL અધિકારીની હાજરીમાં ધોળાકુવા ગામે ઠાકોરવાસ સ્થિત મકાન નંબર 284 પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન મકાનમાંથી 22 વર્ષીય અમિત વિષ્ણુજી ઠાકોર હાજર મળી આવ્યો હતો.

3 કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો

પોલીસે અમિતને સાથે રાખીને મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન લીલા રંગના પીપમાંથી વાદળી અને કાળા રંગનો 'સફારી' લખેલો થેલો મળી આવ્યો હતો. થેલાની તપાસ કરતા તેમાંથી ખાખી ટેપ વીંટેલું પ્લાસ્ટિક અને 5 પડીકીમાં ભરેલો ગાંજા જેવો માદક પદાર્થ મળી આવ્યો હતો.

ઘટનાસ્થળે હાજર FSL અધિકારીએ પરીક્ષણ કરતા આ પદાર્થ ગાંજો હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારબાદ ગાંજાના જથ્થાનું વજન કરવામાં આવતા કુલ 3 કિલો 141 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. તેની કિંમત આશરે 1.57 રૂપિયા લાખ આંકવામાં આવી હતી.

ગાંજો સહિત કુલ રૂ.1.62 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે ગાંજાના જથ્થા ઉપરાંત આઈફોન, નાથાજી જવાનજી ઠાકોરના નામે મકાન નંબર 284, ધોળાકુવાનું ઈલેક્ટ્રિકલ બિલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ.1.62 લાખ હોવાનું જણાવાયું છે. દરોડા દરમિયાન સ્થળ પર હાજર અમિત વિષ્ણુજી ઠાકોરને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

આરોપીઓ પૂર્વ BJP મહિલા કોર્પોરેટરના ભત્રીજા 

આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, ધોળાકુવાના અમિત વિષ્ણુજી ઠાકોર, અનિલ ઉર્ફે પિન્ટુ નાથાજી ઠાકોર અને નિકુલ નાથાજી ઠાકોર ગાંજાના નશાના કારોબાર સાથે સંકળાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ ત્રણેય ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર સવિતાબેન હેમતાજી ઠાકોરના ભત્રીજા હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, અમિતે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે અનિલ ઉર્ફે પિન્ટુ અને નિકુલ તેના મોટાબાપાના દીકરા થાય છે. તેઓ ગાંજો ક્યાંથી લાવતા હતા તેની તેને જાણ નથી, પરંતુ ત્રણેય સાથે મળીને ગાંજાની પડીકી બનાવી વેચાણ કરતા હતા. હાલ આ કેસમાં અનિલ ઉર્ફે પિન્ટુ અને નિકુલ વોન્ટેડ છે.