લેખક બુદ્ધિનાથ મિશ્રને 'જાગરણ સાહિત્ય સૃજન સન્માન': રાજનાથ સિંહે Gen Z અને AI યુગમાં યુવાનોના યોગદાન પર ભાર મૂક્યો

બુદ્ધિનાથ મિશ્રને દૈનિક જાગરણ સાહિત્ય સૃજન સન્માનથી નવાજવામાં આવ્યા, જ્યાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે Gen Z અને AI યુગમાં યુવાનોની ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે પત્રકારત્વના મૂલ્યો, પેઢીગત પરિવર્તન અને બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધ જેવા મુદ્દાઓ પર પણ વાત કરી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 10 Oct 2026 09:20 PM (IST)Updated: Sat, 10 Oct 2026 09:20 PM (IST)
buddhinath-mishra-honoured-with-dainik-jagran-sahitya-srijan-samman-receives-rs-11-lakh

Dainik Jagran Sahitya Srijan Samman: દૈનિક જાગરણના પૂર્વ મુખ્ય સંપાદક અને લેખક નરેન્દ્ર મોહનની જન્મજયંતી નિમિત્તે બુદ્ધિનાથ મિશ્રને ‘દૈનિક જાગરણ સાહિત્ય સૃજન સન્માન’થી સન્માનિત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત લેખક બુદ્ધિનાથ મિશ્રને રૂ. 11 લાખની પુરષ્કાર રાશિ તેમજ સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવામાં આવ્યું છે.

આજે પણ દૈનિક જાગરણ નરેન્દ્રજીના મૂલ્યો પર ચાલી રહ્યું છે

દૈનિક જાગરણ સાહિત્ય સૃજન સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેલા દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, નરેન્દ્ર મોહને પત્રકારત્વનાં મૂલ્યો અને આદર્શોને હંમેશાં સર્વોપરી રાખ્યાં છે. આજે પણ દૈનિક જાગરણ નરેન્દ્રનાં મૂલ્યોને સાથે રાખીને આગળ વધી રહ્યું છે.

જ્યારે દેશમાં કટોકટી લાદવામાં આવી, ત્યારે નરેન્દ્ર મોહને પોતાના તંત્રી લેખમાં 'નયા લોકતંત્ર, સેન્સર લાગુ, શાંત રહે' એટલું જ શિર્ષક લખીને આખી કૉલમ ખાલી છોડી દીધી હતી. આ ખાલી જગ્યા વિરોધનું પ્રતિક હતી. જેમણે અભિવ્યક્તિની સ્વતંત્રતા પર લાદવામાં આવેલા પ્રતિબંધો સામે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું કે, નરેન્દ્ર મોહન પત્રકાર હોવાની સાથે લેખક પણ હતા. મારું સ્પષ્ટ માનવું છે કે, સમાજની પ્રગતિ માટે જનરેશન ચેન્જ અત્યંત આવશ્યક છે. આમ કરવાથી જ સમાજનો વિસ્તાર થશે. પેઢીઓમાં બદલાવ અને અંતર હંમેશા નકારાત્મક નથી હોતા, જે નૉલેજ, ઈનોવેશન અને પ્રોગ્રેસનો આધાર છે. પેઢીઓના પરિવર્તન વચ્ચે જ ભવિષ્યનો આકાર ઘડાય છે.

જેન ઝીએ ઈન્ટરનેટ, સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની વચ્ચે પોતાનું જીવન જીવી રહી છે. હવે સંવાદ કરવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે અને મનોરંજરની રીત પણ બદલાઈ ગઈ છે.

1947માં ટ્રાન્ઝિસ્ટરની શોધ થઈ હતી. આ શોધ જ આજે સેમિકન્ડક્ટર ઉદ્યોગનો આધાર બની છે. વર્ષ 1950માં એલન ટ્યુરિંગે ‘ટ્યુરિંગ ટેસ્ટ’નો વિચાર રજૂ કર્યો હતો. જે બાદ તેના પર સંશોધન કરવામાં આવ્યું અને આ તમામ વિકાસે આજના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માટેનો માર્ગ મોકળો કર્યો.

બાળકોની સુરક્ષા માટે અમે જરૂરી પગલા લઈશું

રાજનાથસિંહે જણાવ્યું કે, નીતિઓ ઘડતી વખતે આપણે વિચારવું પડશે કે, તેનાથી આવનારી પેઢીને કેવી રીતે લાભ થાય? અમારી સરકાર પણ આજ દિશામાં કામ કરી રહી છે. ઑસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ભારતમાં પણ સર્વોચ્ચ અદાલતે સોશિયલ મીડિયાના ઉપયોગ સંદર્ભે વયમર્યાદા નક્કી કરવાની ટકોર કરી જ છે. કેટલાક લોકો આ પગલાનો વિરોધ કરશે, પરંતુ બાળકોની સુરક્ષા અને તેમના ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે અમે જરૂરી પગલાં લઈશું.

સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે, વર્તમાન સમયમાં લીડરશિપ (નેતૃત્વ), વિઝન (દૂરંદેશી), કરેજ (સાહસ) અને ઈમોશનલ ઈન્ટેલિજન્સ (ભાવનાત્મક બુદ્ધિમત્તા) પણ ખૂબ જ આવશ્યક છે. જે યુવાનો અનિશ્ચિતતાની પરિસ્થિતિમાં નિર્ણય લઈ શકશે અને પરિવર્તનને સ્વીકારવાની હિંમત ધરાવશે. તેઓ AIના યુગમાં પણ આગળ વધશે અને ભવિષ્યનું નિર્માણ કરશે.

નવી શિક્ષણ નીતિ અંતર્ગત ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટિવિટી અને પ્રોબ્લેમ સૉલ્વિંગ માટેની ક્ષમતાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અમારો પ્રયાસ છે કે, બદલાતી ટેક્નોલોજીના યુગમાં યુવાનો માત્ર નોકરી શોધનારા બનીને ન રહે, પરંતુ પોતાના નેતૃત્વ અને નવીનતાના બળે રોજગારી આપનારા બને અને નવી પેઢીના નેતા તરીકે ઉભરી આવે.

ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરતી પેઢી વધુ સ્વપ્રેરિત હોય છે, મર્યાદાઓથી પર વિચારે છે અને દુનિયાને વ્યાપક દૃષ્ટિકોણથી જુએ છે. જો કે પ્રગતિ ક્યારેય સમજદારીના ભોગે ન થવી જોઈએ. અગાઉની પેઢી પોતાની સાથે અનુભવ, મૂલ્યો અને એવા બોધપાઠ લઈને આવે છે, જે માત્ર સમય જ શીખવી શકે છે.

માત્ર એકબીજાથી અલગ હોવાના આધારે અભિપ્રાય બાંધવાને બદલે બંને પેઢીઓએ એકબીજાને સમજવાનો, પરસ્પર આદર કરવાનો અને એકબીજા પાસેથી શીખીને આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ. આખરે ભવિષ્યને નવીનતાની જરૂર છે, પરંતુ તેની સાથે ભૂતકાળની સમજદારી પણ એટલી જ જરૂરી છે.

દેશમાં અરાજકતા ફેલાવવાનો અધિકાર કોઈને નથીઃ રાજનાથ સિંહ

વધુમાં તેમણે જણાવ્યું કે, આજની યુવા પેઢી એટલે કે જનરેશન-ઝી ખૂબ જ જાગૃત છે. તેઓ પોતાની જવાબદારીઓ સારી રીતે જાણે છે. પશ્ચિમી હિતો દ્વારા તેમને થોડા સમય માટે ગેરમાર્ગે દોરી શકાય છે, પરંતુ તેમને રાષ્ટ્રનિર્માણના ધ્યેયથી ક્યારેય વિચલિત કરી શકાય નહીં.

અમને યુવાનો પર સંપૂર્ણ વિશ્વાસ છે, પરંતુ વિશ્વાસની સાથે જવાબદારી પણ જોડાયેલી છે. તમામ મૂલ્યોને સાથે રાખીને આપણાં યુવાનો દેશના વિકાસમાં સતત યોગદાન આપતા રહેશે. આ દેશમાં અરાજક્તા ફેલાવવાનો કોઈને અધિકાર નથી.