Gandhinagar | Vibrant Gujarat Regional Conferences : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસના પ્રમોશન માટે નવી દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગોકારો, ઔદ્યોગિક સંગઠનોના પદાધિકારીઓ સાથે બેઠક કરી સંવાદ સાંધ્યો હતો. આ તકે મુખ્યમંત્રીએ PM મોદીના માર્ગદર્શનમાં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) રાજ્યના વિવિધ પ્રદેશોની આગવી વિશેષતા, ઔદ્યોગિક ક્ષમતા અને આર્થિક વિકાસ સંભાવના સાથે સાંસ્કૃતિક વિરાસતને વ્યાપક સ્તરે ઉજાગર કરશે તેમ જણાવ્યું હતુ.
વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ટ્રેડ એન્ડ ટ્રેડિશન, કોમર્સ એન્ડ કલ્ચર, ઇન્ડસ્ટ્રી એન્ડ એન્ટરપ્રિન્યોરશિપનો સંગમ ધરાવતું વાઇબ્રન્ટ ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી, વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી, દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બની ગયું છે. તેમણે 2003માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની શરૂઆતનો જે વિચાર આપ્યો હતો તે રાજ્યના સર્વગ્રાહી વિકાસ માટે ગેમ ચેન્જર સાબિત થયો છે.
આ સમિટની બે દાયકાની જ્વલંત સફળતાને પગલે ગુજરાત આજે દેશના મોસ્ટ ઇન્ડસ્ટ્રીયલાઈઝ્ડ અને અર્બનાઈઝ્ડ સ્ટેટ તરીકે રોકાણકારો માટે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે.
વડાપ્રધાને સર્વસમાવેશી અને દરેક વ્યક્તિ, દરેક વિસ્તાર સુધી પહોંચે તેવા વિકાસનું વિઝન આપ્યું છે. આ વિઝનને પરિપૂર્ણ કરવા ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા પછી હવે પ્રાદેશિક સ્તર પર ઔદ્યોગિક, આર્થિક વિકાસને વેગ આપવા રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સીસ શરૂ કરી રહ્યાં છીએ.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતના કેટલાંક પ્રદેશોના પ્રોડક્શન અને આઉટપુટ તો દેશના કેટલાક રાજ્યોના પ્રોડક્શન કરતાં પણ વધારે છે. આ રિજનલ કોન્ફરન્સ દ્વારા ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત પ્રદેશોમાં સેક્ટર સ્પેસિફિક ઇન્વેસ્ટમેન્ટ નવી તકો ખુલશે અને ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટની નવી દિશા મળશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ રાજ્યમાં પીએમ મિત્ર પાર્ક, બલ્ક ડ્રગપાર્ક, મેડિકલ ડિવાઇસ પાર્ક, એગ્રો ફૂડ પાર્ક જેવા સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપ કરવામાં આવી રહ્યા છે તેની પણ ભૂમિકા વ્યાપક પ્રાદેશિક વિકાસ સંભાવનાઓના સંદર્ભમાં આપી હતી.
ગુજરાતની વિકાસયાત્રાનું નેક્સ્ટ સ્ટેપ ગિફ્ટ સિટી, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, સેમિકોન, ગ્રીનફિલ્ડ પોર્ટ્સ, ગ્રીન એનર્જી જેવા ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ્સથી સંચાલિત હશે.
આવા ફ્યુચરિસ્ટિક મેગા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સહિત રિજનલ ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રેન્થને પરિણામે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ રોકાણકારોને રિજનલ ઇકો સિસ્ટમ સાથે સીધા જોડાણનો અવસર પૂરો પાડશે. એટલું જ નહિ, સ્થાનિક એમ.એસ.એમ.ઇ. અને આનુષંગિક ઉદ્યોગોને વધુ વિકસવાની તક મળશે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું કે, આવી રિજનલ કોન્ફરન્સીસ દરમિયાન ટ્રેડ-શો, એક્ઝિબિશન અને સેક્ટર સ્પેસિફિક સેમિનારના આયોજનથી રિજનલ પ્રોડક્ટ્સને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હિતધારકો સામે પ્રસ્તુત કરવાનો મંચ મળશે.
‘ક્ષેત્રીય આકાંક્ષા-વૈશ્વિક મહત્વકાંક્ષા’ની થીમ સાથે યોજાનારી વડાપ્રધાનશ્રીના લોકલ ફોર લોકલ - લોકલ ફોર ગ્લોબલના સંકલ્પને પણ સાકાર કરશે. તેમજ વિકસિત ગુજરાત 2047 માટે રાજ્યની ઇકોનોમીને 3.5 ટ્રિલિયન યુ.એસ. ડોલર ઇકોનોમી બનાવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે તેમ મુખ્યમંત્રીશ્રીએ દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું.
તેમણે આગામી 9-10 ઓક્ટોબરે ઉત્તર ગુજરાતમાં પ્રથમ રિજનલ કોન્ફરન્સમાં અને ત્યારબાદ અન્ય ત્રણ પ્રદેશોમાં યોજાનારી વી.જી.આર.સી.માં સક્રિય સહભાગી બનવાનું ઉદ્યોગ અગ્રણીઓને ઇજન પાઠવ્યું હતું.
આ અવસરે મુખ્ય સચિવ પંકજ જોષીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2003માં રાજ્યમાં શરૂ થયેલી સમિટ હવે પોલિસી, પાર્ટનરશીપ અને ઇન્વેસ્ટમેન્ટનું પ્લેટફોર્મ બની ગઈ છે.
ગુજરાત 2047માં વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં વધુ મોટી ભૂમિકા ભજવવા સજ્જ છે તેની ભૂમિકા આપતા મુખ્યસચિવશ્રીએ કહ્યું કે, ભારત સરકાર દ્વારા બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ગુજરાતે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ-2017 દ્વારા રાજ્યમાં નિશ્ચિત સમયાવધિમાં મંજૂરીઓનો નિકાલ ફરજિયાત બનાવાયો છે. 200થી વધુ વ્યવસાય સંબંધિત મંજૂરીઓ માટે વન સ્ટોપ સોલ્યુશન તરીકે એન્ડ ટુ એન્ડ ઓનલાઈન અરજી પદ્ધતિ સાથેનું ઇન્વેસ્ટર્સ ફેસેલિટેશન પોર્ટલ પણ કાર્યરત કરવામાં આવેલું છે.
એટલું જ નહિ, સનરાઈઝ સેક્ટર્સ એવા સેમિકન્ડક્ટર, રિન્યૂએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન તથા ડિફેન્સ અને એરોસ્પેસ ક્ષેત્રોમાં રોકાણો આકર્ષિત કરવામાં પણ ગુજરાત સફળતાપૂર્વક આગળ રહ્યું છે. તેને વધુ વેગ આપવા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ રિજનલ બેલેન્સ્ડ ડેવલપમેન્ટ અને ઇન્ક્લુઝિવ ગ્રોથનું ગુજરાત મોડલ બનશે તેવો વિશ્વાસ મુખ્ય સચિવશ્રીએ વ્યક્ત કર્યો હતો.
ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)ના સચિવ શ્રી અમરદિપસિંહ ભાટીયાએ ગુજરાત સરકાર દ્વારા શરૂ થવા જઈ રહેલી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની સરાહના કરતાં જણાવ્યુ હતુ કે, આ કોન્ફરન્સથી ટીઅર-2 અને ટીઅર-3 શહેરોમાં નવી ઈન્ડસ્ટ્રીઝનો વિકાસ થશે અને આ કોન્ફરન્સના કારણે નાના શહેરોમાં નવા સ્ટાર્ટ અપ્સને વિકસવાની તક મળશે.
ગુજરાત VGRCના નવા ઈનેશિયેટીવથી દેશમાં લીડ લઈને અન્ય રાજ્યો માટે પથદર્શક બન્યું છે તેને પણ તેમણે બિરદાવ્યું હતું. ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા જન વિશ્વાસ બિલથી આવેલા સુધારો અંગે સચિવ શ્રી ભાટીયાએ છણાવટ કરી હતી અને સિંગલ વિન્ડો સિસ્ટમા કારણે ઉદ્યોગ માટેની જરૂરી મંજૂરીઓમાં પારદર્શિતા અને ઝડપ આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.