Devbhumi Dwarka: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે દેવભૂમિ દ્વારકામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં મતદાન પહેલા જ શાસક ભાજપે દ્વારકા નગર પાલિકાની 8 બેઠકો બિનહરીફ જીતી લીધી છે. આ સાથે જ દ્વારકા નગર પાલિકામાં વધુ એક વખત ભાજપનો ભગવો લહેરાય તેવી શક્યતા પ્રબળ બની ગઈ છે.
અત્યારે દેવભૂમિ-દ્વારકા સહિત સમગ્ર ગુજરાતમાં નગર પાલિકાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયેલું છે. તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં ભાજપે ચૂંટણી પૂર્વે મોટો દાવ લગાડી દીધુ હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે.
હકીકતમાં દ્વારકા નગર પાલિકાની ચૂંટણી માટે મતદાન પૂર્વે ભાજપે 8 બેઠકો બિનહરીફ જીતી લીધી છે. દ્વારકા નગર પાલિકાના વોર્ડ નંબર 4માં તમામ સભ્યોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે વોર્ડ નંબર 3ના 3 સભ્યો અને વોર્ડ નંબર 7માં એક સભ્યને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે.
આ સાથે જ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, ભાજપ માટે નગર પાલિકામાં ફરીથી સત્તાના સિંહાસન પર આવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.