Dahod: ઉતરાયણ પર્વને ધ્યાને રાખીને શહેર તથા જિલ્લામાં દારૂની રેલછેલ કરવા સક્રિય બનેલા બુટલેગરોના કીમિયાને દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે નિષ્ફળ બનાવી દીધો છે. પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના હિંદોલીયા ગામે જંગલ વિસ્તારમાંથી એલસીબી ટીમે મકાઈના દાણાની આડમાં ચાલી રહેલી દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી છે. આ કાર્યવાહી દરમિયાન રૂ. 50.82 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી ગેરકાયદેસર રીતે દારૂ લાવી ઉતરાયણ પર્વ દરમિયાન શહેરમાં સપ્લાય કરવા બુટલેગરો સક્રિય બન્યા છે. આ હેરાફેરી અટકાવવા એલસીબી ટીમ પીપલોદ વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, અશોક લેલન્ડ કંપનીનો ટ્રક (રજી. નં. MP19HA1959) મકાઈના દાણાના થેલાઓની નીચે ઇંગ્લીશ દારૂ છુપાવી લીમખેડા થઈ પીપલોદ તરફ આવી રહ્યો છે.
આ બાતમીના આધારે એલસીબી ટીમે ટ્રક પર નજર રાખી હતી. ટ્રક ચાલકે પોલીસને જોઈ ટ્રકને ઝડપથી પંચેલ ગામ તરફના અંતરિયાળ રસ્તે ભગાવ્યો હતો, પરંતુ એલસીબી ટીમે ફિલ્મી ઢબે પીછો કરી અંતે હિંદોલીયા ગામના જંગલવાળા સિંગલપટ્ટી માર્ગ પર ટ્રક ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન મકાઈના દાણાના થેલાઓની નીચે છુપાવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ 399 પેટીઓ, જેમાં 15,576 બોટલો મળી આવી હતી, જેની અંદાજીત કિંમત રૂ. 35.52 લાખ થાય છે. સાથે હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ અશોક લેલન્ડ કંપનીનો ટ્રક (કિંમત રૂ. 15 લાખ) અને દારૂ છુપાવવા માટે ઉપયોગમાં લેવાયેલા મકાઈના દાણાના 60 કટ્ટા (કિંમત રૂ. 30 હજાર) મળી કુલ રૂ. 50,82,864 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ મામલે પીપલોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઉતરાયણ પર્વ પૂર્વે બુટલેગરો દ્વારા રચાયેલ દારૂની રેલછેલ કરવાની સાજિશને નિષ્ફળ બનાવી દાહોદ એલસીબીએ નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે.
વડોદરામાં ડુપ્લિકેટ દોરીના 916 રીલ સાથે વેપારી ઝડપાયો
વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) ટીમે 9 અને 12 તારના લેબલવાળી ડુપ્લિકેટ પતંગદોરી વેચતાં વેપારીને ઝડપ્યો છે. પોલીસને દરોડા દરમિયાન મોલખાનામાંથી કુલ 916 રીલ કબજે કરવામાં આવી છે, જેની અંદાજીત કિંમત રૂ. 7.27 લાખ જણાઈ રહી છે.

પોલીસને બાતમી મળી હતી કે માંડવીના રાજપરાની પોળમાં મોહંમદ મસૂદ મોહંમદ કાસીમ કલકત્તાવાલા 9 અને 12 તારના લેબલવાળી દોરીઓ વેચી રહ્યો છે. તપાસ દરમિયાન આ દોરામાં માત્ર 4 તારના જ હોવાનું ખુલ્યું હતું. જ્યારે આ મામલે અમદાવાદના કાલુપુર પતંગ માર્કેટના વેપારી સમસુ ખોજાને વોન્ટેડ જાહેર કર્યો છે.
