Gujarat Heroin Case: ભુજ અદાલતે ડ્રગ્સ માફિયાઓ સામે એક દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આશરે રૂ. 384.68 કરોડના હિરોઈન તસ્કરી કેસમાં ભુજની વિશેષ અદાલતે છ પાકિસ્તાની નાગરિકોને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. વર્ષ 2021 માં ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે જખૌ તટ પરથી ડ્રગનો જથ્થા સાથે દોષિતોની ધરપકડ કરી હતી.
વર્ષ 2021 નો મામલો, છ પાકિસ્તાની ઝડપાયા
આ મામલો આશરે સાડા ચાર વર્ષ પહેલાનો છે. ગત 20 ડિસેમ્બર, 2021 ના રોજ ચોક્કસ બાતમીના આધારે ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને જખૌ તટથી આશરે 35 નોટિકલ માઈલ દૂર અરબી સમુદ્રમાં એક શંકાસ્પદ બોટને અટકાવી હતી.
આ બોટની સઘન તપાસ કરવામાં આવતા તેમાંથી પાંચ મોટા બેગમાં છુપાવીને રાખવામાં આવેલું 76.936 કિલોગ્રામ હિરોઈન મળી આવ્યું હતું. બોટમાં સવાર તમામ છ શખ્સો પાકિસ્તાનના કરાચીના રહેવાસી હતા, જેમની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી લેવામાં આવી હતી.
ગુજરાત ATS તપાસ-NDPS એક્ટ હેઠળ ગુનો
આ ગંભીર ગુનાની પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. નાયકની ફરિયાદ પરથી શરૂ થયેલી તપાસ ગુજરાત ATS ટીમના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર આર.આર. રાઠોડ દ્વારા કરવામાં આવી હતી. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ કડક ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ઓપરેશન સિંદૂરની પ્રથમ વરસી: ભારતીય સેનાએ ભુજમાં અત્યાધુનિક હથિયારો સાથે તાકાતનું કર્યું પ્રદર્શન
દોષિત પાકિસ્તાની નાગરિકોને ફટકારી સજા
આ કેસની સુનાવણી ભુજની છઠ્ઠી એડિશનલ સેશન્સ અને સ્પેશિયલ NDPS કોર્ટમાં ચાલી હતી. કેસને મજબૂત બનાવવા માટે પ્રોસિક્યુશન દ્વારા 203 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, અને 13 મહત્વના સાક્ષીઓની જુબાની નોંધવામાં આવી હતી.
તમામ પુરાવા અને મુખ્ય જિલ્લા સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે તમામ છ પાકિસ્તાની આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. ભુજ કોર્ટે દરેક દોષિતને 20 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે, અને સાથે જ પ્રત્યેક પર 2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
દોષિત ઠરેલા પાકિસ્તાની નાગરિકો કોણ?
સજા પામેલા શખ્સોમાં 31 વર્ષીય મોહમ્મદ ઇમરાન મોહમ્મદ તારિક વાઘેર, 24 વર્ષીય દાનિશ મોહમ્મદ હુસૈન કચ્છી વાઘેર, 23 વર્ષીય સાગર મોહમ્મદ કચ્છી વાઘેર, 75 વર્ષીય ઈસ્માઈલ ઈબ્રાહિમ બદાલા, 24 વર્ષીય મોહમ્મદ સાજિદ મોહમ્મદ હુસૈન યાકુબલા કુંગરા અને 26 વર્ષીય અશફાક મોહમ્મદ ઈશાક વાઘેરનો સમાવેશ થાય છે.
