Kutch: ભુજના લોડાઈ ગામમાં ખોરાકી ઝેરની અસર, પાણીપુરી ખાધા પછી 100 જેટલા લોકો હોસ્પિટલ ભેગા

આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરાઈ. તકેદારીના ભાગરૂપે લોડાઈ ગામમાં ખાણી-પીણીની તમામ લારીઓ અને દુકાન બંધ કરાવી દેવાઈ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 16 Apr 2026 07:05 PM (IST)Updated: Thu, 16 Apr 2026 07:05 PM (IST)
kutch-news-100-villagers-fall-sick-after-eating-panipuri-in-bhujs-lodai-village-of-bhuj
ફાઈલ ફોટો
HIGHLIGHTS
  • મોડી રાતથી એક પછી એક ગ્રામજનોની તબિયત લથડવા લાગી
  • પેટમાં દુખાવા તેમજ ઝાડા-ઉલટીની ફરિયાદ સાથે લોકો હોસ્પિટલ દોડ્યા

Kutch: કચ્છ જિલ્લાના ભુજના લોડાઈ ગામમાં ફૂટ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. જેમાં ગઈકાલે પાણીપુરી ખાધા પછી લોડાઈ ગામના 100 જેટલા લોકોની તબિયત લથડી હતી. જે બાદ તમામ અસરગ્રસ્તોને સારવાર અર્થે ભુજની અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, લોડાઈ ગામમાં ગઈકાલે રાતના સમયે પાણીપુરી ખાધા પછી 100 જેટલા ગ્રામજનોની મોડી રાતથી તબિયત લથડવા લાગી હતી. પાણીપુરી ખાનારા ગ્રામજનોને પેટમાં દુખાવાની સાથે-સાથે ઝાડા-ઉલટીની તકલીફ થવા લાગી હતી.

જેના પગલે તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ભુજની અલગ-અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપીને તમામ દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

બીજી તરફ ફૂડ પોઈઝનિંગની ઘટનાને પગલે હરકતમાં આવેલ આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ તો તકેદારીના ભાગરૂપે ગામમાં ખાણી-પીણીની તમામ લારીઓ અને દુકાનો બંધ કરાવી દેવામાં આવી છે. તેમજ પાણીપુરીના સેમ્પલ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં દૂષિત પાણી અથવા વાસી સામગ્રીના ઉપયોગના કારણે ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે ખરું કારણ તો લેબના રિપોર્ટ બાદ જ જાણી શકાશે.