Bhavnagar: ગુજરાતમાં વીજ ચોરી ડામવા માટે રાજય સરકાર દ્વારા કરોડો રૂપિયાનાં ખર્ચે સ્માર્ટ મીટરો લગાવવાનો પાઈલોટ પ્રોજેકટ શરૂ કરાયો છે. જેની સામે લોકોમાં પણ ભારે વિરોધ તેમજ ફરિયાદો ઉઠી છે, ત્યારે સ્માર્ટ મીટરની વિશ્વસનિયતા સામે જ સવાલ ઉભા થાય તેવી એક ચોંકાવનારી ઘટના ભાવનગર જિલ્લામાંથી સામે આવી છે.
હકીકતમાં રાજય સરકારે વીજ ચોરી ડામવા માટે લગાવેલા સ્માર્ટ મીટરમાંથી પણ વીજ ચોરી ઝડપાતા વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે. સાથોસાથ વીજ ચોરી ડામવાના એકમાત્ર હેતુથી અમલમાં મુકાયેલા સ્માર્ટ મીટરના રાજય સરકારના મહા પ્રોજેકટ સામે પણ સવાલો સર્જાયા છે.
સરકાર દાવો કરી રહી છે કે, સ્માર્ટ મીટરમાં વીજ ચોરી કરવી શકય નથી. જો કે ભેજાબાજોએ સરકારના આ દાવાને ખોટો પાડતી ઘટના સૌરાષ્ટ્રના જ એક સેન્ટરમા બની છે. જો કે આ સમગ્ર ઘટના ઉપર હાલ ઢાંકપીછોડો કરવામાં આવી રહયો હોવાનું જાણવા મળી રહયુ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ભાવનગર જિલ્લામાં સ્માર્ટ મીટરમાં વીજ ચોરી થતી હોવાની શંકાના આધારે થોડા દિવસ પહેલા GETCOની વિજિલન્સ ટીમે કેટલાક સ્થળે દરોડા પાડી સ્માર્ટ મીટરની ચકાસણી કરી હતી. આ દરમ્યાન ત્રણ સ્થળેથી સીલ લાગેલા સ્માર્ટ મીટરમાંથી ‘આંકડી’ મારી વીજ ચોરી કરવાની કિમીયાગીરીનો પર્દાફાશ થયો હતો.
વિજિલન્સના ચેકીંગ દરમ્યાન બહાર આવ્યુ હતુ કે, સ્માર્ટ મીટરમાં ફેઇઝ ટુ ફેઇઝ અને ન્યુટ્રલને લીંક કરી ‘આંકડી’ મારવામાં આવી હતી અને આ રીતે વીજ ચોરી કરવામા આવી રહી હતી. વિજિલન્સની ટીમે આ સમગ્ર પ્રક્રિયાનું વીડિયો શુટીંગ પણ કર્યુ હોવાનુ જાણવા મળે છે. હાલ આવા ત્રણ કિસ્સા સામે આવ્યા હોવાનુ જાણવા મળ્યું છે. જેમાં ભાવનગર ગ્રામ્ય, જેસર તથા બગદાણામાં સ્માર્ટ મીટરમાં વીજ ચોરીના કિસ્સા પકડાયા હોવાનું જણાવાય છે.
જે સ્માર્ટ મીટરોમાંથી વીજ ચોરી ઝડપાઇ છે, તે સ્માર્ટ મીટરો સીલ કરેલા અને નિયમો મુજબ લગાડેલા હતા. જો કે મીટર ફીટ કર્યા પહેલા જ વીજ ચોરીની ‘કારીગરી’ કરી લેવામાં આવી હોવાનુ જણાયુ હતુ. આ સ્માર્ટ મીટર લગાવવાનો કોન્ટ્રાકટ ખાનગી એજન્સીઓને આપવામાં આવેલ છે અને ખાનગી એજન્સીઓ હંગામી કર્મચારીઓ રાખી સ્માર્ટ મીટરો ફીટ કરાવી રહી છે, ત્યારે મીટરો ફીટ કરતા ખાનગી એજન્સીઓના કર્મચારીઓનું જ આ કારસ્તાન હોવાનુ માનવામાં આવી રહયુ છે.
જો કે આ ઘટના અંગે હાલ પીજીવીસીએલનાં કોઇ અધિકારીઓ પણ કંઇ બોલવા તૈયાર નથી અને સ્માર્ટ મીટર લગાવતી એજન્સી સામે ગુપ્તરાહે કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનુ જાણવા મળી રહયુ છે. હાલ સ્માર્ટ મીટર સામે ભારે ગુજરાતભરમાં ભારે ઉહાપોહ ચાલી રહયો છે અને સ્માર્ટ મીટરનો ઠેર ઠેર વિરોધ થઇ રહયો છે. તેવા સમયે જ સ્માર્ટ મીટરમાંથી પણ વીજ ચોરી ઝડપાતા વીજ તંત્ર દ્વારા સમગ્ર ઘટના દબાવવા પ્રયાસો થઇ રહયા છે. કોઇ અધિકારીઓ આ બારામાં કંઇ કહેવા તૈયાર નથી. પરંતુ વીજ કંપનીઓના ઇજનેરોમાં પણ સ્માર્ટ મિટર સામે ભારે ધુંધવાટ હોવાનુ જાણવા મળી રહયુ છે.