Bhavnagar: ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ બગદાણા આશ્રમના સેવક પર હિચકારા હુમલાને પગલે કોળી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેને પગલે કોળી સમાજના આગેવાનો અને ધારાસભ્યો દોડતા થઈ ગયા છે. ગઈકાલે કોળી સમાજના અગ્રણી તેમજ ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી ઈજાગ્રસ્ત યુવકને મળવા પહોંચ્યા હતા, ત્યારે આજે ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા પણ બગદાણા આવી પહોંચ્યા હતા.
તાજેતરમાં જ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા હુમલા ગંભીર રીતે ઘાયલ થયેલા બગદાણા આશ્રમના સેવક નવનીતભાઈની હનુમંત હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે આજે ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા પહોંચ્યા હતા.
જ્યાં તેમની સાથે તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ, મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, પૂર્વ મંત્રી આરસી મકવાણા સહિત કોળી સમાજના આગેવનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલ પહોંચીને સાંસદ સહિતના અગ્રણીઓએ ઈજાગ્રસ્ત યુવકના ખબર અંતર પૂછીને તેમને સાંત્વના પાઠવી હતી.
આ તકે સાંસદ નિમુબેન બાંભણિયાએ જણાવ્યું કે, નવનીતભાઈ પર થયેલા હુમલા મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી છે. મારા સહિત સમગ્ર કોળી સમાજ તેમની સાથે જ છે. આ ગુનામાં જે કોઈ આરીપઓ હશે, તેમના પર સખ્ત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આટલું જ નહીં, હીરા સોલંકી, પરષોત્તમ સોલંકી, ગૌતમ ચૌહાણ, આરસી મકવાણા સહિત અમારા તમામ ધારાસભ્યો ગાંધીનગર જઈને મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રીને મળીને આ બાબતે રજૂઆત કરવાના છે.
બગદાણામાં થયેલ ઘટના એ બે વ્યક્તિઓ વચ્ચેનો મામલો છે: ભાજપ
પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ દ્વારા બગદાણામાં થયેલ ઘટના અંગે સોશિયલ મીડિયા એપ ‘X‘ પર મુકેલ પોસ્ટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, કોંગ્રેસની રાજનીતિ માત્ર સોશિયલ મીડિયા એપ પર દરેક મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પાયાવિહોણી આક્ષેપબાજી કરવા સુધી જ સીમિત થઈ ગઈ છે. વાસ્તવિક રીતે કોંગ્રેસનું જમીન સાથેનું જોડાણ છૂટી ગયું છે, માટે જનતા કોંગ્રેસને સતત જાકારો આપે છે.
બગદાણામાં થયેલ ઘટના એ બે વ્યક્તિઓ વચ્ચેનો મામલો છે જે અંગે તંત્ર દ્વારા ફરિયાદના આધારે એફ.આઈ.આર નોંધી આગળની કાર્યવાહી કરાઇ રહી છે. બે વ્યક્તિ વચ્ચેના મુદ્દે પણ કોંગ્રેસ રાજનીતિ સાથે જોડી રહી છે.
