Vadodara: વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો મહીસાગર નદી પર આવેલો ગંભીરા બ્રિજ ગત જુલાઈ મહિનામાં તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 21 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. હવે આ બ્રિજને ફરીથી શરૂ કરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ઉતાવળમાં તંત્ર દ્વારા ગંભીર બેદરકારી દાખવાઈ રહી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, જૂના ગંભીરા બ્રિજની રીપેરીંગ કામગીરી દરમિયાન રોડ પરથી નીકળતો ડામર અને અન્ય કાટમાળ યોગ્ય રીતે નિકાલ કરવા બદલે સીધો મહીસાગર નદીના વહેતા પાણીમાં ફેંકવામાં આવી રહ્યો છે.
નિયમ મુજબ આ કાટમાળ વાહનમાં ભરી નિર્ધારિત જગ્યાએ નિકાલ કરવો આવશ્યક છે, પરંતુ સ્થળ પર કામ કરતા મજૂરો દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડે તેવી રીતે નદીમાં જ કાટમાળ ફેંકવામાં આવી રહ્યો છે.
21 લોકોના ભોગ લેનાર ગંભીરા બ્રિજના સમારકામ દરમિયાન આવી બેદરકારી સામે આવતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ તંત્ર સલામતી અને ગુણવત્તાની વાત કરે છે, ત્યારે બીજી તરફ પર્યાવરણ અને નદીના પ્રદૂષણ પ્રત્યે ઘોર બેદરકારી દાખવાઈ રહી છે. મહીસાગર નદી આસપાસના ગામો માટે જીવનરેખા સમાન છે, ત્યારે નદીમાં ડામર અને બાંધકામનો કચરો ફેંકવાથી પાણી પ્રદૂષિત થવાની ભીતિ સેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગત 9 જુલાઈએ ગંભીરા બ્રિજ તૂટી પડતાં વડોદરા-આણંદ માર્ગ પર મોટી દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનાના દિવસે સવારથી રાત્રિ સુધીમાં નદીમાંથી 13 મૃતદેહ મળી આવ્યા હતા. બીજા દિવસે પૂનમના કારણે ભરતીનું પાણી આવતાં રેસ્ક્યૂ કામગીરી પ્રભાવિત થઈ હતી, પરંતુ બાદમાં ફરી કામગીરી શરૂ થતાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો હતો. આ દુર્ઘટનામાં ત્રણ ટ્રક અને એક બાઇક પણ નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.
હાલમાં બ્રિજ બંધ હોવાથી આસપાસના ગામોના રહીશો તેમજ ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓને અવર-જવર માટે લાંબો ફેરો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બીજો સ્થાયી બ્રિજ બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા રૂપે રૂા. 9.12 કરોડના ખર્ચે સ્ટીલ બ્રિજ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. અંદાજે 45 મીટર લાંબો અને 150 ટન વજન ધરાવતો સ્ટીલ બ્રિજ આગામી દિવસોમાં ખુલ્લો મુકવામાં આવશે, જેથી લોકોને રાહત મળશે.
પરંતુ, ભૂતકાળની ભયાનક દુર્ઘટનાથી પાઠ શીખ્યા વગર જો સમારકામમાં આવી બેદરકારી ચાલુ રહેશે, તો ફરી કોઈ ગંભીર પરિણામ ભોગવવું ન પડે તે માટે તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જરૂરી બની ગયા છે.
