Khambhat Devayat Khavad Lok Dayro: આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ઐતિહાસિક નગરા ગામમાં તાજેતરમાં ભક્તિ અને શૌર્યનો અદભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે. સમસ્ત ડાંગર પરિવાર દ્વારા શ્રી મોમાઈ માતાજી તથા શ્રી સિકોતર માતાજીના મઢનો દ્વિદિવસીય નૂતન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ હર્ષોલ્લાસ અને શ્રદ્ધાપૂર્વક સંપન્ન થયો હતો.
ભવ્ય 'સંતવાણી અને લોકડાયરા' કાર્યક્રમ
આ નૂતન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે રાત્રિના 'સંતવાણી અને લોકડાયરા' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરામાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર દેવાયત ખવડ, માયાબેન ભરવાડ અને પિન્ટુ ડાંગરે પોતાની અદભૂત કલાથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. જેમાં પ્રખ્યાત લોક સાહિત્યકાર દેવાયત ખવડે શૌર્ય રસ અને ભક્તિ રસ પીરસ્યો હતો.
લોકડાયરામાં ચાંદીની નોટોનો વરસાદ
આ કાર્યક્રમ દરમિયાન જ્યારે લોક સાહિત્યકાર દેવાયત ખવડે શૌર્ય રસની વાતો અને માતાજીના છંદ લલકાર્યા ત્યારે મંત્રમુગ્ધ થયેલા ભક્તો, પ્રેક્ષકો અને આયોજકોએ મંચ પર ચાંદીની નોટો ઉડાડી હતી. ચાંદીની નોટોનો વરસાદ થયાની આ ઘટનાએ ભારે આકર્ષણ જમાવ્યું છે. સાથે જ આ દ્રશ્યો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યા છે.
બે દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
આ બે દિવસીય મહોત્સવમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મહોત્સવના પ્રારંભે ગણેશ સ્થાપન, મંડપ મુહૂર્ત અને જળ યાત્રા યોજાઈ હતી. ત્યારબાદ શણગારેલા રથ સાથે માતાજીની ભવ્ય નગરયાત્રા વાજતે-ગાજતે નીકળી હતી. જે બાદ રાત્રે પરંપરાગત રાસ-ગરબાનું આયોજન થયું હતું.
બીજા દિવસે વહેલી સવારે હોમ-હવન અને મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મંદિરના નૂતન શિખર પર ધ્વજારોહણ વિધિ સંપન્ન થયા બાદ વિશાળ સંખ્યામાં ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
ભક્તિમય વાતાવરણ અને સંતોના આશીર્વાદ
આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે સમસ્ત ડાંગર પરિવાર અને નગરા ગામના ગ્રામજનોએ રાત-દિવસ ભારે જહેમત ઉઠાવી હતી. આ પવિત્ર મહોત્સવમાં સ્થાનિક રાજકીય અગ્રણીઓ, આસપાસના ગામના હજારો શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતોએ ખાસ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા. માતાજીના જયઘોષ સાથે સમગ્ર પંથકનું વાતાવરણ પવિત્ર અને ભક્તિમય બની ગયું હતું.
