Morbi Farmers Protest: જેતપર ખેડૂત આંદોલન: લોકડાયરામાં ગુંજ્યો જગતના તાતનો અવાજ, સાહિત્યકાર હકાભા ગઢવીની સરકારને ખેડૂતોની માંગ સ્વીકારવા અપીલ

જેતપર ખાતે ચાલી રહેલા આ ખેડૂત આંદોલનને મજબૂત કરવા અને સતત પાંચ દિવસથી ભૂખ્યા-તરસ્યા બેઠેલા ઉપવાસીઓનો ઉત્સાહ વધારવા માટે ગત રાત્રે આંદોલન સ્થળ એટલે કે ઉપવાસ છાવણી ખાતે એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

By: Joshi MukeshEdited By:Joshi MukeshPublish Date: Mon, 22 Jun 2026 12:23 PM (IST)Updated: Mon, 22 Jun 2026 12:23 PM (IST)
morbi-farmers-protest-hakabha-gadhvi-raises-farmers-voice-at-jetpar-lok-dayro-appeals-to-govt
હકાભા ગઢવી લોકડાયરો

Morbi Farmers Protest: મોરબી પંથકના જેતપર ગામ ખાતે પોતાની પડતર માંગણીઓ અને ન્યાય માટે ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો આજે છઠ્ઠો દિવસ છે. વિજપોલ કંપનીની કથિત દાદાગીરી અને ખેડૂત વિરોધી અન્યાયી નીતિઓ સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તડકો અને મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ ખેડૂતો પોતાની માંગ પર અડગ રહીને ઉપવાસ છાવણી પર ડટેલા છે. આ આંદોલનની ખાસ અને મોટી વાત એ છે કે, આ લડતમાં પુરૂષોની સાથે મહિલાઓ પણ ખભેથી ખભો મિલાવીને આગળ આવી છે. હાલમાં 3 મહિલાઓ સહિત કુલ 9 જેટલા આંદોલનકારી ખેડૂતો અન્નનો ત્યાગ કરીને ધરણા પર બેઠા છે.

ઉપવાસ છાવણી ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન

જેતપર ખાતે ચાલી રહેલા આ ખેડૂત આંદોલનને મજબૂત કરવા અને સતત પાંચ દિવસથી ભૂખ્યા-તરસ્યા બેઠેલા ઉપવાસીઓનો ઉત્સાહ વધારવા માટે ગત રાત્રે આંદોલન સ્થળ એટલે કે ઉપવાસ છાવણી ખાતે એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાત્રિ ડાયરામાં મોટી સંખ્યામાં આસપાસના ગામોના ખેડૂતો અને ગ્રામજનો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિ અને જુસ્સાથી ગુંજી ઉઠ્યું હતું. આ લોકડાયરામાં ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર અને કલાકાર હકાભા ગઢવીએ ખાસ હાજરી આપી હતી. તેમણે સ્ટેજ પરથી પોતાની આગવી શૈલી અને વાણીથી ખેડૂતોની એકતાના વખાણ કર્યા હતા અને આ લડતને કલા જગત તરફથી નૈતિક સમર્થન જાહેર કર્યું હતું.

હકાભા ગઢવીની સરકારને ધારદાર અપીલ

લોકડાયરા દરમિયાન કલાકાર હકાભા ગઢવીએ રાજ્ય સરકાર અને વહીવટીતંત્રને આ મામલે ત્વરિત હસ્તક્ષેપ કરવા માટે ભાવુક અને નમ્ર અપીલ કરી હતી. હકાભા ગઢવીએ મંચ પરથી જણાવ્યું હતું કે, "ખેડૂતો આ દેશનો અને આપણી સંસ્કૃતિનો અસલી આધાર છે. જગતનો તાત જો આજે 5-5 દિવસથી ભૂખ્યો બેઠો હોય, તો તે આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. મારી સરકારને નમ્ર વિનંતી છે કે ખેડૂતોની જે કંઈ પણ વ્યાજબી અને ન્યાયી માંગણીઓ છે, તેને વિલંબ કર્યા વિના ત્વરિત સ્વીકારી લેવામાં આવે અને આ વિવાદનો સુખદ અંત લાવવામાં આવે."

વિજપોલ કંપની સામે વિરોધનો વંટોળ ઉગ્ર બન્યો

હાલમાં મોરબીના જેતપર પંથકમાં આ આંદોલન ચર્ચાનો વિષય બન્યું છે. વિજપોલ કંપની સામે ખેડૂતોનો વિરોધ દિવસેને દિવસે વધુ ઉગ્ર અને વ્યાપક બની રહ્યો છે. જેતપરના આ ન્યાયી સંઘર્ષને માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાંથી ખેડૂત સંગઠનો અને સામાજિક અગ્રણીઓનું જનસમર્થન મળી રહ્યું છે. દરરોજ અવનવા ખેડૂત આગેવાનો ઉપવાસ છાવણીની મુલાકાત લઈ રહ્યા છે. આંદોલનકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી કંપની તેમની ન્યાયી માંગણીઓ સ્વીકારશે નહીં અને વહીવટીતંત્ર તરફથી લેખિત ખાતરી મળશે નહીં, ત્યાં સુધી આ આંદોલન અને આમરણાંત ઉપવાસ વધુ મજબૂતાઈથી ચાલુ રહેશે.