Morbi Khedut Andolan: મોરબીના જેતપરમાં છેલ્લા બે અઠવાડિયાથી વધુ સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે એક અત્યંત ચોંકાવનારો અને સનસનાટીભર્યો ખુલાસો સામે આવ્યો છે. ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ શનિવારે એક તાબડતોબ પ્રેસ કોન્ફરન્સ યોજીને આંદોલનના મુખ્ય ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયા પર ગંભીર આક્ષેપો કર્યા છે. હકાભા ગઢવીના આ દાવા બાદ માત્ર મોરબી જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના રાજકારણ અને ખેડૂત સંગઠનોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ, ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવીને આંદોલન તોડવાનું સરકારી ષડયંત્ર ગણાવ્યું છે.
હકાભા ગઢવીનો સનસનીખેજ દાવો
આ પણ વાંચો
પ્રેસ કોન્ફરન્સમાં પોતાની આપવીતી અને હકીકત જણાવતા લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ કહ્યું કે, "હું માત્રને માત્ર ખેડૂતોના સમર્થન માટે અને સત્યની લડાઈ કાજે કોઈ પણ જાતના સ્વાર્થ વગર જેતપર આંદોલનમાં જોડાયો હતો. 21 જૂનના રોજ મને નિલેશભાઈ એરવાડિયાએ ડાયરા માટે બોલાવ્યો હતો, જેના મેં કોઈ પૈસા લીધા નહોતા. ત્યાંના ખેડૂતો અને ઉપવાસ પર બેઠેલા યુવાનોનો ઉત્સાહ જોઈને મેં આંદોલનને આગળ પણ સમર્થન આપવાનું નક્કી કર્યું હતું."
ગંભીર આક્ષેપ કરતા હકાભાએ આગળ જણાવ્યું કે, "જ્યારે મેં નિલેશભાઈને કહ્યું કે સરકાર વાટાઘાટો માટે બોલાવે છે તો આપણે ખેડૂતોના હિતમાં મળવા જવું જોઈએ અને જો ન્યાય ન મળે તો ફરી આંદોલન પર બેસી જઈશું. આ વાત સાંભળીને નિલેશ એરવાડિયાએ મને કહ્યું કે, 'આમાં આપણને શું મળે? મારે 25 કરોડ રૂપિયા લેવાના છે. સરકારને મળવા જવાના એડવાન્સ 2 કરોડ માંગવાના છે, જેમાંથી 1 કરોડ રૂપિયા તમારા.' આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જે માણસ હજારો ખેડૂતો સાથે ગદ્દારી અને વિશ્વાસઘાત કરતો હોય, તેનાથી મેં દુર રહેવાનું નક્કી કર્યું. આંદોલન ન વિખાય તે માટે હું અત્યાર સુધી શાંત રહ્યો હતો, પણ આજે સત્ય બહાર લાવીને મને શાંતિની ઊંઘ આવશે."
આંદોલનને તોડવા આખી ટુકડી સક્રિય, આક્ષેપો સાવ ખોટા: નિલેશ એરવાડિયા
લોકસાહિત્યકાર હકાભા ગઢવીના આ સનસનાટીપૂર્ણ આક્ષેપો બાદ ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ પણ તાત્કાલિક પોતાની પ્રતિક્રિયા આપી હતી અને આક્ષેપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા હતા. નિલેશ એરવાડિયાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, "જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને નબળું પાડવા અને તોડવા માટે છેલ્લા 10 દિવસથી સતત પ્રયાસો થઈ રહ્યા છે. સરકાર સામે ખેડૂતો અડગ ઊભા હોવાથી આંદોલનને ડેમેજ કરવા માટે આખી ટુકડી ઉતારવામાં આવી છે. અમને એક-બે કરોડ નહીં, પણ 15 થી 20 કરોડ રૂપિયાની મોટી ઓફરો કરવામાં આવી રહી છે અને આંદોલન સમેટી લેવા માટે જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહી છે." તેમણે ઉમેર્યું કે, "કેટલાક લોકો પહેલા આંદોલન સ્થળે આવીને લાલચ આપે છે અને જ્યારે અમે તેમની વાતોમાં નથી આવતા ત્યારે આવા ખોટા આક્ષેપો અને ધમકીઓ પર ઉતરી આવે છે. હકાભા ગઢવીએ લગાવેલા આરોપો તદ્દન ખોટા અને આંદોલનને ભટકાવવાનો એક ભાગ છે."
જેતપર આંદોલન પર રાજકીય ગરમાવો
જેતપરમાં છેલ્લા 17-18 દિવસથી ચાલી રહેલી ખેડૂતોની આ લડાઈ હવે આક્ષેપ-પ્રતિઆક્ષેપના કારણે ભારે ચર્ચાનો વિષય બની છે. એક તરફ લોકસાહિત્યકાર ખુદને આંદોલનથી અલગ કરી ખેડૂતો સાથે છેતરપિંડી થઈ રહ્યાનો દાવો કરી રહ્યા છે, તો બીજી તરફ ખેડૂત નેતાઓ આને આંદોલનને કચડી નાખવાનો સરકારી કારસો ગણાવી રહ્યા છે. આગામી દિવસોમાં આ વિવાદ વધુ વણસે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.
