Morbi Farmer Protest: મોરબી જિલ્લાની માર્કેટ રેટ કમિટીની બેઠક કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, વિવિધ ટ્રાન્સમિશન કંપનીઓના અધિકૃત અધિકારીઓ, જમીન મૂલ્યાંકનકારો તેમજ ખેડૂતોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કોયબા અને રાણેકપર ગામના અસરગ્રસ્ત ખેડૂતોની જમીનના માર્કેટ રેટ સરકારના તા. 04/07/2026ના ઠરાવની જોગવાઈઓ મુજબ પારદર્શક પદ્ધતિથી નક્કી કરવામાં આવ્યા હતા. આમ ખેડૂત આંદોલન બાદ ખેડૂતોની જમીનના વળતરમાં પાંચગણો વધારો થઇ ગયો છે. સરકારના ઠરાવની જોગવાઈ મુજબ ત્રણ મૂલ્યાંકનકારો દ્વારા તેમના ભાવો બંધ કવરમાં રજૂ કરવામાં આવ્યા હતા.
ખેડૂતોના પ્રતિનિધિઓની હાજરીમાં ત્રણ પૈકી બે ચિઠ્ઠીઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી અને તે મુજબ પસંદ થયેલા બંધ કવરો ખોલવામાં આવ્યા હતા. બંને ભાવોમાં 20 ટકાથી ઓછો તફાવત જણાતા, જોગવાઈ મુજબ બંને ભાવોની સરેરાશના આધારે જમીનના માર્કેટ રેટની ગણતરી કરવામાં આવી હતી.
આ રીતે તમામ સર્વે નંબરોની જમીનનું વેલ્યુએશન કરવામાં આવતા રાણેકપર ગામની જમીનનો અગાઉનો ભાવ રૂ. 13.46 લાખ પ્રતિ વીઘા હતો. માર્કેટ રેટ કમિટી દ્વારા નક્કી કરાયેલા ભાવને જોગવાઈ મુજબ બમણો કરતાં હવે આશરે રૂ. 72.81 લાખ પ્રતિ વિઘા ભાવ નિર્ધારિત થયો છે.
આમ અગાઉના ભાવની સરખામણીએ પાંચ ગણાથી પણ વધુ ભાવ નક્કી કરવામાં આવ્યો છે. માર્કેટ રેટ કમિટીના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર-જિલ્લા મેજિસ્ટ્રેટ સ્વપ્નિલ ખરે દ્વારા સંબંધિત ટ્રાન્સમિશન કંપનીઓને માર્કેટ રેટ કમિટી દ્વારા નક્કી કરાયેલા ભાવ મુજબનું 100 ટકા વળતર અસરગ્રસ્ત ખેડૂતોને સાત દિવસમાં ચૂકવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ સાથે જ બેઠકમાં ઉપસ્થિત ખેડૂત પ્રતિનિધિઓ તેમજ અન્ય અસરગ્રસ્ત ખેડૂતોને સરકારની જોગવાઈ મુજબ માર્કેટ રેટ કમિટી સમક્ષ ભાવ નક્કી કરવાની પ્રક્રિયામાં પોતાના પ્રતિનિધિની પસંદગી કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરી અસરગ્રસ્ત ખેડૂતોને તેમના હક્કનું યોગ્ય વળતર સમયસર મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
