નરેન્દ્ર આહીર, No Number Plate, No Fuel: ભાવનગરમાં બનેલ લઠ્ઠા કાંડ બાદ રાજયભરમાં પ્રોહિબિશનની ડ્રાઈવ કરવા રાજય પોલીસ વડાના આદેશ આપ્યો છે, ત્યારે શહેરમાં એક તરફ બૂટલેગરો અને અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાની ચર્ચાઓ વચ્ચે પોલીસ તંત્ર દ્વારા આકરા નિયમોનું પાલન કરાવવા માટે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ગુનાખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના હેતુથી એક વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ પંપ પર ઇંધણ આપવામાં આવશે નહીં. આ આદેશનો કડક અમલ કરાવવા માટે શહેરના વિવિધ પેટ્રોલ પંપો પર પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે.
બૂટલેગરો અને અસામાજિક તત્વો બેફામ બન્યા હોય ત્યારે પોલીસે બુટલેગરો ઉપર વોચ ગોઠવવાને બદલે પેટ્રોલપંપ ઉપર પોલીસ પહેરો ગોઠવી દીધો છે. બીજી તરફ પોલીસની આ કડક ઝુંબેશ વચ્ચે જ શાસક પક્ષના સ્થાનિક નેતાઓ દ્વારા નિયમોના ધજાગરા ઉડાવતા બે વીડિયો સામે આવતા સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પોલીસ કમિશનરના કડક જાહેરનામા મુજબ, વેલિડ નંબર પ્લેટ વગરના કોઈપણ વાહનને પેટ્રોલ પંપ પર પેટ્રોલ, ડીઝલ કે ગેસ જેવું ઇંધણ આપવામાં આવશે નહીં તેવું જાહેરનામાંમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટ્રાફિક સુરક્ષા વધારવા અને નિયમો તોડતા વાહનચાલકો પર રોક લગાવવા માટે આ 'નો નંબર પ્લેટ, નો ફ્યુલ' અભિયાન શરૂ કરાયું છે, ત્યારે પોલીસ દ્વાર નિયમનું પાલન કરાવવામાં બેવડી નીતિ કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
તાજેતરમાં ભાજપ દ્વારા યોજાયેલી એક બાઇક રેલી દરમિયાન કાયદાના અમલની પોલ ખોલતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. આ રેલીમાં વોર્ડ નંબર 1 ના ભાજપના કોર્પોરેટર સેજલબેન ચૌધરી નંબર પ્લેટ વિનાનું ટુ-વ્હીલર ચલાવીને પહોંચ્યા હતા. એટલું જ નહીં, આ વાહનની પાછળ રાજકોટ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ પણ બેઠેલા નજરે પડ્યા હતા.
બીજા બનાવમાં નંબર પ્લેટ વગરની કારમાં બ્લેક ફિલ્મ લગાડી ભાજપના આગેવાન નાગદાન ચાવડા ફરતા હોવા છતાં પોલીસ તેમની સામે કોઈ કાર્યવાહી નહીં કરતા પોલીસની બેવડી નીતિ પર સવાલ ઉભા થયા છે. જનતામાં રોષ અને ઉદ્ભવતા અણીયારા સવાલો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ સામાન્ય નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો અને વિરોધ પક્ષો દ્વારા તંત્ર સામે અનેક તીખા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.
જે પેટ્રોલ પંપ પરથી આ નંબર પ્લેટ વગરના વાહનમાં ઇંધણ પૂરવામાં આવ્યું હશે, શું પોલીસ તે સંચાલક સામે જાહેરનામાના ભંગ બદલ કાયદેસરના પગલાં લેશે તેવું જાહેર કરાયું છે તેમજ અમુક પેટ્રોલપંપ ઉપર તો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ત્યારે પોલીસ તંત્ર અને નેતાઓની બેવડી નીતિ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.
