અમૂલનો વૈશ્વિક ડંકો: ટર્નઓવર 1 લાખ કરોડ પાર કરી રચ્યો ઇતિહાસ, ભારતની સૌથી મોટી FMCG કંપની બની

અમૂલ પાસે હાલ આઈસ્ક્રીમ, પનીર-ઘી સહિત 1200 થી વધુ પ્રોડક્ટ પેક ઉપલબ્ધ છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 11 Apr 2026 09:53 AM (IST)Updated: Sat, 11 Apr 2026 09:53 AM (IST)
gujarat-amul-crosses-rs-1-lakh-crore-turnover-india-largest-fmcg
HIGHLIGHTS
  • અમૂલે સરજ્યો ઐતિહાસિક રેકોર્ડ
  • ટર્નઓવર રૂ.1 લાખ કરોડ પાર થયું
  • ભારતની સૌથી મોટી FMCG કંપની

Amul turnover: ભારતમાં શ્વેત ક્રાંતિના સારથી અને કરોડો દેશવાસીઓની મનપસંદ બ્રાન્ડ 'અમૂલ' નાણાકીય વર્ષ 2025-26માં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) દ્વારા સંચાલિત અમૂલ બ્રાન્ડનું કુલ ગ્રુપ ટર્નઓવર રૂપિયા 1,00,000 કરોડના ઐતિહાસિક આંકડાને પાર કરી ગયું છે. આ ભવ્ય સિદ્ધિ સાથે અમૂલ હવે ભારતની નિર્વિવાદિત સૌથી મોટી FMCG (Fast-Moving Consumer Goods) સંસ્થા બની ગઈ છે.

વિશ્વની નંબર-1 સહકારી સંસ્થાનો તાજ

ગત વર્ષે અમૂલનું ટર્નઓવર રૂ. 90 હજાર કરોડ હતું, જેની સામે આ વર્ષે કંપનીએ 11 ટકાની મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અમૂલનું કદ વિસ્તર્યું છે અને તેને ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA) દ્વારા વિશ્વની નંબર 1 સહકારી સંસ્થા તરીકે ઘોષિત કરવામાં આવી છે.

આ ઐતિહાસિક સફળતા માત્ર આંકડાઓ પૂરતી સીમિત નથી, પરંતુ તે ગુજરાતના 36 લાખ પશુપાલકોના પરસેવાની કમાણી અને ગ્રાહકોના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે.

વૈશ્વિક બજારોમાં પણ ભરી હરણફાળ

'લોકલ ટુ ગ્લોબલ' વિઝનને સાકાર કરતા અમૂલે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની શાખ જમાવી છે. આ વર્ષે અમૂલે અમેરિકા અને યુરોપ જેવા વિકસિત દેશોમાં પણ 'ફ્રેશ મિલ્ક' (તાજું દૂધ) લોન્ચ કરીને વૈશ્વિક ડેરી માર્કેટમાં સનસનાટી મચાવી દીધી છે. સંસ્થાના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ આ સફળતા વિશે જણાવ્યું હતું કે, "અમારી સફળતાનો સાચો શ્રેય એ પશુપાલકોને જાય છે જેઓ દિવસ-રાત મહેનત કરે છે".

મુખ્ય આર્થિક પાસા-ખેડૂતલક્ષી અભિગમ

અમૂલની આ આર્થિક પ્રગતિ પાછળ તેના મજબૂત વેચાણ અને 1200થી વધુ પ્રોડક્ટ્સનું યોગદાન છે.

  • સીધું વેચાણ: GCMMF દ્વારા આ વર્ષે 11.4 ટકાની વૃદ્ધિ સાથે કુલ રૂ. 73,450 કરોડનું સીધું વેચાણ નોંધવામાં આવ્યું છે.
  • વિશાળ પ્રોડક્ટ પોર્ટફોલિયો: ગ્રાહકોની માંગને પહોંચી વળવા અમૂલ પાસે હાલ આઈસ્ક્રીમ, પનીર, ઘી અને ચોકલેટ સહિત 1200 થી વધુ પ્રોડક્ટ પેક ઉપલબ્ધ છે.
  • પશુપાલકોને મહત્તમ લાભ: અમૂલના MD ડો. જયેન મહેતાના જણાવ્યા અનુસાર, નવી ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને સંસ્થાના નફાનો મોટાભાગનો હિસ્સો સીધો જ પશુપાલકોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

દૂધની એક નાની સરખી ડેરીથી શરૂ થયેલી સફર આજે એક લાખ કરોડના વિશાળ સામ્રાજ્ય સુધી પહોંચી છે. અમૂલની આ સિદ્ધિએ વિશ્વભરમાં સાબિત કરી દીધું છે કે, જો સહકારની શક્તિ અને આધુનિક મેનેજમેન્ટનો સંગમ થાય, તો ભારતીય ખેડૂત પણ વિશ્વ પર રાજ કરી શકે છે.