Sanand Dholera Investment:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લિડરશીપમાં ઈન્ડીયા સેમિકન્ડક્ટર મિશનના ઉદ્દેશો સાથે સંકલિત રહિને ગુજરાતને સેમિકન્ડક્ટર હબ બનાવવાની યાત્રાને વેગ આપતું મહત્વપૂર્ણ કદમ રાજ્ય સરકારે ભર્યુ છે.
ગુજરાત સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે ડેસ્ટીનેશન ઓફ ચોઇસ તરીકે ઉભરી રહ્યું છે અને હાલ રાજ્યમાં 1.24 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટ્સ નિર્માણાધીન છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલના નેતૃત્વમાં તેને વધુ ગતિ આપવા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને એલિજિયન્સ ઈન્ટરનેશનલ કંપની લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં એક MoU શુક્રવારે કરવામાં આવ્યા હતા.
સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં આ MoU પર ભારતમાં તાઈવાન ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અને એલિજિયન્સ ગૃપના ચેરમેન સીમોન લીના તથા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી સચિવ પી.ભારથીએ હસ્તાક્ષર કર્યા હતા.
આ એમ.ઓ.યુ. અન્વયે મેસર્સ એલિજિયન્સ ઇન્ટરનેશનલ કંપની લિમિટેડ ભારતમાં કામગીરી સ્થાપિત કરવા માંગતા ભારત અને તાઇવાનના સાહસો વચ્ચે વ્યાપારિક સહયોગને મજબૂત બનાવશે.
આ માટે સાણંદ-ધોલેરામાં ઈન્ડો તાઈવાન ઈન્ડસ્ટ્રીઅલ પાર્કનું નિર્માણ કરવામાં આવશે અને ખાસ કરીને સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રો માટે તાઇવાનના ઉદ્યોગોમાંથી રૂપિયા 1,000 કરોડથી વધુના વિદેશી સીધા પ્રસ્તાવિત મૂડી-રોકાણ (FDI)નો અને પાંચ વર્ષના સમયમાં લગભગ 12,000 ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ જનરેશનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે
આના પરિણામે સેમિકન્ડક્ટર અને તેના આનુષંગિક ઇકોસિસ્ટમ, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન, ઇલેક્ટ્રિક વાહનો, રોબોટિક્સ અને સંબંધિત સપ્લાય ચેઈન ઉદ્યોગોના ઉત્પાદનમાં રોકાયેલી કંપનીઓને સેવા આપવા માટે તાઇવાન સાથે ગુજરાતનો સહયોગ વધુ સુદ્રઢ અને ઉત્પાદન ઇકોસિસ્ટમ સક્ષમ બનશે.
