Anand News: સાબરમતી અને મહી નદીમાં જળસ્તરમાં વધારોઃ આણંદ જિલ્લાના 38 ગામોને એલર્ટ કરવામાં આવ્યા

મહી નદીમાં વધી રહેલા પાણીના પ્રવાહને ધ્યાને લઈ કાંઠા વિસ્તારના જે ગામો ખાતે પાણીનો પ્રવાહ વધવાથી લોકોને સાવધ કરવા જરૂરી હતા તેવા 26 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 07 Sep 2025 07:04 PM (IST)Updated: Sun 07 Sep 2025 07:04 PM (IST)
anand-news-sabarmati-and-mahi-rivers-swell-38-villages-put-on-alert-599084

Anand News: ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાનમ અને કડાણા ડેમમાંથી મહી નદીમાં છોડવામાં આવી રહેલા પાણીને કારણે આણંદ જિલ્લાના નદી કાંઠાના 26 ગામોને સાવચેત કરવા માટે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ જિલ્લાના અધિકારીઓને ખાસ સુચના આપી છે. તેમજ સાબરમતી નદીમાં પાણી છોડાતા 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

મહી નદીમાં વધી રહેલા પાણીના પ્રવાહને ધ્યાને લઈ કાંઠા વિસ્તારના જે ગામો ખાતે પાણીનો પ્રવાહ વધવાથી લોકોને સાવધ કરવા જરૂરી હતા તેવા 26 ગામો ખાતે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તલાટી અને સરપંચની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે ગામમાં સાયરન વગાડીને ગ્રામજનોને ભેગા કરીને તેમને નદી કાંઠે ન જવા માટે તાકીદ કરવામાં આવી છે.

નદીકાંઠાના ગામો ખાતે ઉપરવાસમાંથી છોડવામાં આવેલ પાણીને કારણે તકલીફ પડતી હોય જે ધ્યાને લઈ ગ્રામજનોને કોઈ પણ પ્રકારની હાલાકીનો સામનો ના કરવો પડે તે માટે જિલ્લા કલેકટરની સુચના મુજબ આવા ગામોના પશુપાલકો તેમના પશુઓને નદી કિનારે ન લઈ જાય તે માટે પણ જરૂરી સુચના આપવામાં આવી છે અને ગ્રામજનોને સાવધ રહેવા માટે જણાવાયું છે.

તે જ રીતે સાબરમતી નદીમાં પાણી છોડવાના કારણે ખંભાત 2 અને તારાપુરના 11 અસરગ્રસ્ત ગામોમાં પણ તંત્ર દ્વારા મુલાકાત લઈને ગ્રામજનોને સાવચેત કરાયા છે. આ ઉપરાંત નદી કાંઠાના ગામોને ઉપરવાસના ભારે વરસાદને કારણે નદીનું સ્તર વધવાથી નીચાણવાળા ગામોમાં પાણી આવવાના કારણે ગ્રામજનોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જણાવ્યું છે.

આજે નદી કાંઠાના નિચાણવાળા વિસ્તારના ગામો ખાતે મામલતદાર સહિતના અધિકારીઓની ટીમે ગામોની રૂબરૂ મુલાકાત લઈને નદીમાં પાણીનો પ્રવાહ વધવાની શક્યતાઓ અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાનમ અને કડાણા ડેમમાંથી મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તથા ધરોઈ ડેમ માં પાણીની વધુ આવક થતા તે સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું હોય આ બાબતથી ગ્રામજનોને વાકેફ કરવામાં આવ્યા છે.