Anand News: ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મહી નદીમાં છોડવામાં આવી રહેલા પાણીને કારણે નદી કાંઠાના ગામોને સાવચેત કરવા માટે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી એ આંકલાવ તાલુકાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપેલ છે.
જિલ્લા કલેકટરની સૂચના અને પ્રાંત અધિકારી, બોરસદના માર્ગદર્શન હેઠળ મહી નદી કાંઠાના જે ગામો ખાતે પાણીનો પ્રવાહ વધી શકે તેમ છે, તેવા બામણગામ અને ગંભીરા ગામના લોકોને સાવધ કરવા જરૂરી જણાતા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની ટીમ દ્વારા આ ગામો ખાતે તાત્કાલિક સાયરન વગાડીને ગ્રામજનોને ભેગા કરીને આ બાબતે જાણકારી આપવાની સાથે સરપંચ અને તલાટીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
બામણગામ અને ગંભીરા ગામો ખાતે ઉપરવાસમાંથી છોડવામાં આવેલ પાણીના કારણે વધુ તકલીફ પડતી હોય જે ધ્યાને લઈ ગ્રામજનોને કોઈ પણ પ્રકારની હાલાકીનો સામનો ના કરવો પડે તે માટે આકલાવના મામલતદાર એસ.એમ સેંધવ અને આંકલાવના તાલુકા વિકાસ અધિકારી હસમુખભાઈ મકવાણા યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવામાં આવી છે અને ગ્રામજનોને સાવધ રહેવા માટે જણાવ્યું છે.
આ ઉપરાંત નદી કાંઠાના ગામોને સરપંચ અને તલાટી દ્વારા જાણકારી આપવામાં આવી છે અને ગ્રામજનોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું આંકલાવના મામલતદાર દ્વારા જણાવાયું છે.