Amreli: સાવરકુંડલામાં રઘુવંશી સમાજના આગેવાનો પર હિચકારો હુમલો, હિન્દુ સંગઠનોમાં ભારે રોષ; પોલીસ એલર્ટ

ઈજાગ્રસ્તોની ખબર કાઢવા પહોંચેલા ધારાસભ્ય મહેશ કસવાલાએ પોલીસને ફટકાર લગાવી, કહ્યું- 'આ કેરળ નથી, ગુજરાત છે તે તો સમજો'

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 28 Nov 2024 06:02 PM (IST)Updated: Thu 28 Nov 2024 06:02 PM (IST)
amreli-news-attack-on-raghuvanshi-samaj-members-police-on-alert-436414
HIGHLIGHTS
  • લોહાણા મહાજનની વાડી નજીક પાર્કિગમાં કેબિન મૂકવા બાબતે માથાકૂટ થઈ હતી

Amreli: અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં લોહાણા મહાજન વાડી નજીક પાર્કિંગનું કામ ચાલી રહ્યું હતુ. આ સમયે કેટલાક ઈસમો દ્વારા કેબિન મૂકવામાં આવતા લોહાણા જ્ઞાતિના લોકો અટકાવવા પહોંચ્યા હતા. આ સમયે રઘુવંશી સમાજના 3 આગેવાનો પર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો.

આ હુમલામાં ઈજાગ્રસ્ત સાવરકુંડલા શહેર ભાજપ મહામંત્રી રાજુ નાગ્રેચા, વેપારી જગદીશ માધવાણી, તેજશ રાઠોડ સહિત 3 લોકોને ઈજા પહોંચતા તેઓને સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાના પગલે હિન્દુ સંગઠનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ બાબતની જાણ થતાં ભાજપના સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાલા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પોલીસને ફટકાર લગાવતા કહ્યું હતું કે, આ કેરળ નથી, ગુજરાત છે તે તો સમજો. અમારા સંઘના અને ભાજપના કાર્યકરો પર હુમલા થઈ રહ્યા છે.

બીજી તરફ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે ઘટનાની ગંભીરતા દાખવી સાવરકુંડલા પોલીસને કડક સૂચના આપી હતી. આથી એએસપી વલય વૈદ્ય અને સ્થાનિક પીઆઈ સહિત પોલીસ હોસ્પિટલે પહોંચી તપાસ હાથ ધરી છે. હુમલાખોરો સામે ભારે રોષ જોવા મળી રહ્યો હોવાથી પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સઘન તપાસ શરૂ કરી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘાયલ લોકોના નિવેદનો લેવા અને પોલીસ ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરી છે.