Rajkot: જામકંડોરણાની યુવતી સાથે ટાસ્ક પૂરા કરવાના નામે રૂ.8.81 લાખની ઠગાઈ

લેઉવા પટેલ કન્યા છાત્રાલયમાં રહેતી યુવતીને રોકાણ કરવાથી ઊંચુ વળતર મળશે તેમ કહી ગઠિયાઓએ શીશામાં ઉતારી હતી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 28 Nov 2024 05:46 PM (IST)Updated: Thu, 28 Nov 2024 05:46 PM (IST)
rajkot-news-rs-8-81-lakh-cyber-fraud-with-jamkandorana-girl
HIGHLIGHTS
  • મિયા ગુપ્તા નામના ટેલિગ્રામ ગ્રુપમાં યુવતીને એડ કરી ખેલ પાડ્યો

Rajkot: રાજકોટના લેઉવા પટેલ કન્યા છાત્રાલય ખાતે રહેતી મૂળ જામ કંડોરણાના મેઘાવડ ગામની વતની એક યુવતિ સાથે ઓનલાઈન રોકાણ કરી ટાસ્ક પુરા કરવાના નામે રૂ. 8.81 લાખની ઠગાઈ આચરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે રાજકોટ સાયબર ક્રાઈમે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ જામકંડોરણા તાલુકાના મેઘાવડ ગામની વતની અને હાલ રાજકોટના લેઉવા પટેલ કન્યા છાત્રાલયમાં રહેતી અને ખાનગીમાં નોકરી કરતી કૃપાલીબેન ભગવાનજીભાઈ પાલારા (26)ની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં 4 આઈડી ધારકો અને એકાઉન્ટ ધારકો સામે ફરિયાદ નોંધી છે.

કૃપાલીબેને ફરિયાદમાં જણાવ્યા મુજબ, તે મૂળ જામ કંડોરણાના મેઘાવડ ગામના વતની હોય અને રાજકોટમાં અભ્યાસ સાથે નોકરી પણ કરતા હોય અને લેઉવા પટેલ કન્યા છાત્રાલય ગોંડલ રોડ ચોકડી ખાતે રહે છે. ગત એપ્રિલ મહિનામાં તેમના વોટ્સએપમાં એક મેસેજ આવ્યો હતો જેમાં મેસેજ કરનારે અલગ અલગ ટાસ્ક પુરા કરવાથી સારૂ વળતર મળશે તેમ જણાવ્યું હતું.

કૃપાલીએ મેસેજ મોકલનાર સાથે વાતચીત કર્યા બાદ તેને મિયા ગુપ્તા નામના એક ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરવામાં આવી હતી. કૃપાલીએ શરૂઆતમાં આ સાયબર ગઠિયાઓએ આપેલ ટાસ્ક પુરા કરતા વળતર આપ્યું હતું. જે બાદ વધુ વળતરની લાલચ આપીને કૃપાલીને ટાસ્ક પુરા કરવા માટે અન્ય લોભામણી સ્કીમ આપીને અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં તેમજ ગુગલપે મારફતે રૂા. 8.81 લાખ પડાવી લીધા હતાં.

આ મામલે કૃપાલીએ મોબાઈલ નંબર કે જેમાંથી મેસેજ આવ્યો હતો તે મોબાઈલ નંબર તથા ICICI બેન્ક, ફેડરલ બેન્કના બે એકાઉન્ટ ધારકો અને ટેલીગ્રામના આઈડી ધારક સામે ફરિયાદ નોંધાવતા રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈ એમ.એ. ઝણકાટ સાથે પીઆઈ ભગીરથસિંહ જાડેજા અને તેમની ટીમે આ ગઠિયાઓને પકડવા વધુ તપાસ શરૂ કરી છે.