Ambalal Patel Agahi: બંગાળની ખાડીમાં સક્રિય થયેલ વરસાદી સિસ્ટમ લો પ્રેશરમાં ફેરવાઈને ગુજરાત ઉપરથી પસાર થઈ રહી છે. જેના પગલે ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 98.85 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 72 કલાક ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, આગામી 72 કલાક દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના 10 જેટલા જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસી શકે છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, કચ્છ અને જામનગર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા રહેશે.
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, હજુ સૌરાષ્ટ્રમાં વરસાદની તાતી જરૂર છે. એવામાં આગામી 72 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના એકાદ-બે સેન્ટરમાં વધારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદના પગલે સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થશે. નર્મદામાં નવા નીરની આવક થતાં સરદાર સરોવર ડેમની સપાટી વધી શકે છે.
ચંદ્ર ગ્રહણના કારણે ભારતે અમેરિકા અને રશિયાને સાચવવું રહ્યું
ચંદ્ર ગ્રહણને લઈને અંબાલાલ પટેલે જણાવ્યું કે, 7 સપ્ટેમ્બરે રાતે 9 વાગ્યાની આસપાસ ચંદ્રગ્રહણની અસર શરૂ થશે. આ ગ્રહણ 5 કલાક 26 મિનિટ સુધી ભારતમાં કોલકાતા, મુંબઈ અને અમદાવાદ સહિત દેશના મોટાભાગમાં દેખાશે.
આ ચંદ્રગ્રહણની અસર અધિકાર ક્ષેત્ર ધરાવતા લોકો ખાસ કરીને રાજકીય નેતાઓ પર પડવાની શક્યતા રહેશે. જેમાં શાસક પક્ષમાં તણાવ, ખેંચતાણ જોવા મળી શકે છે. દેશમાં વિરોધ પક્ષના આંદોલન, સત્તા પક્ષમાં પણ કેટલાક તત્વો વિઘટનકારી થઈ શકે છે. ખાસ કરીને દેશના ઉત્તર-પૂર્વ ભારત તેમજ બાંગ્લાદેશથી લઈને શ્રીલંકા સુધી અને અરબ સાગરમાં પણ આ બાબતે સાચવવાની જરૂર રહેશે. ગુરુ અધિકારી હોવાથી ભારતે અમેરિકા અને રશિયાને પણ સાચવવા રહ્યા.
જો આજે વરસેલા વરસાદની વિગતો જોઈએ તો, આજે સવારે 6 થી બપોરના 4 વાગ્યા સુધીમાં રાજ્યના 177 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 168 મિ.મી (6.6 ઈંચ) વરસાદ સિવાય બોટાદમાં 89 મિ.મી (3.5 ઈંચ), રાજકોટના પડધરીમાં 80 મિ.મી, સાબરકાંઠાના તલોદમાં 76 મિ.મી, પોશીનામાં 72 મિ.મી વરસાદ નોંધાયો છે. આમ આખા દિવસ દરમિયાન રાજ્યના 38 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.