Ambalal Patel Agahi, Gujarat Weather Forecast: રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે રાતે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો. આ પછી આજે સવારે પણ વરસાદી માહોલ સર્જાયો હતો. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને લીધે રાજ્યમાં 10 ઈંચ જેટલો વરસાદ થઈ શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યા મુજબ, બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બની છે અને તે ગુજરાત તરફ આવશે. આ સિસ્ટમના કારણે રાજ્યમાં સરેરાશ 3થી 8 ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવના છે. આ વરસાદી માહોલ લગભગ 8 સપ્ટેમ્બર સુધી રહી શકે છે. કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધારે રહી શકે છે અને કોઈ એકાદ જગ્યાએ 10 ઇંચ જેટલો વરસાદ પણ વરસી શકે છે 2. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 6 થી 8 ઇંચ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે જણાવ્યા મુજબ, પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જેમાં ખાસ કરીને પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોમાં અતિભારે વરસાદ રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે, જેમાં ભરૂચ, જંબુસર, ખંભાત, તારાપુર, આણંદ, નડિયાદ, કપડવંજ અને ખેડામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારીજ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થશે, જેમાં કોઈ ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિભારે વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. નવસારી અને વલસાડના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે, તેમજ સુરતના જે ભાગોમાં ઓછો વરસાદ છે ત્યાં પણ વરસાદ થવાની શક્યતા છે. નર્મદાના ઉપરવાસમાં વરસાદ થવાના કારણે સરદાર સરોવર ડેમની સપાટી વધી શકે છે અને નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ શકે છે. આમ, આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે.