અંબાલાલ પટેલની આગાહી: 48 કલાક ગુજરાતમાં કડકડતી ઠંડી રહેશે, ઉત્તરાયણ સુધી પવનના તોફાનો સાથે કમોસમી વરસાદના બે રાઉન્ડ આવશે

અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં હલચલ થવાથી 16 થી 22 ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં પવનના તોફાનો સાથે માવઠું પડશે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 12 Dec 2024 09:38 PM (IST)Updated: Thu 12 Dec 2024 09:38 PM (IST)
weather-expert-ambalal-patel-agahi-for-2-round-of-unseasonal-rain-till-makar-sakranti-444060
HIGHLIGHTS
  • આજે ગુજરાતના 15 જેટલા શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું

Ambalal Patel, Gujarat Weather Forecast: ગુજરાતમાં છેલ્લા ચારેક દિવસથી શીતલહેરોના કારણે પડી રહેલી આકરી ઠંડીથી લોકો ઠૂંઠવાઈ રહ્યા છે. ગુજરાતના 15 જેટલા શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની નીચે નોંધાયું છે.હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વધુ ઠંડીની આગાહી કરવામાં આવી છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક વખત કાતિલ ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં હલચલ થવાથી 16 થી 22 ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં પવનના તોફાનો સાથે માવઠું પડશે.

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હીમ વર્ષા થશે. ભારે હીમ વર્ષા થવાથી જમ્મુ-કાશ્મીરના સરોવરો પણ થીજી જશે. જેની અસર ગુજરાત સુધી થશે. જેના પરિણામે આગામી 48 કલાક સુધી ગુજરાતમાં ભારે ઠંડી રહેવાની શક્યતા રહેશે.

જો કે 14 ડિસેમ્બરની આસપાસ અરબી સમુદ્રમાં એક લો પ્રેશર ઉભુ થશે. જે બાદ 26 ડિસેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ બની શકે છે. જેના પરિણામે આગામી જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પણ હવામાનમાં પલટો આવશે. જેમાં ઉત્તરાયણ સુધી ગુજરાતના કેટલાક ઠેકાણે પવનના તોફાનો સાથે કમોસમી વરસાદ પડી શકે છે.

જો હાલની વાત કરીએ તો, ડિસેમ્બર મહિનામાં પણ હવામાનમાં પલટો આવશે. આગામી 48 કલાક સુધી ઠંડી રહેશે, પરંતુ 17 ડિસેમ્બર બાદ લઘુત્તમ તાપમાન ધીમે-ધીમે વધવા લાગશે. જો કે ઉત્તર ગુજરાત અને પંચમહાલના ભાગોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધીને 18 થી 20 ડિગ્રી સુધી જઈ શકે છે.

આ દરમિયાન સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 27 થી 28 ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 26 થી 28 ડિગ્રી અને મધ્ય ગુજરાતમાં 28 ડિગ્રીની આસપાસ રહી શકે છે. આમ છતાં ક્યારેક એકાદ-બે ડિગ્રી તાપમાન ઉપર-નીચે જઈ શકે છે. જ્યારે 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળવાયું આવશે અને ક્યાંક-ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે.