Paresh Goswami Ni Agahi: ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 224 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 190 મિ.મી (7.4 ઈંચ) વરસાદ ખાબક્યો છે. એવામાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
આ અંગે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, બંગાળની ખાડી તરફથી આવતી સિસ્ટમ અત્યારે મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂકી છે. હાલ આ સિસ્ટમ દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર સ્થિર થઈ છે. આ સિસ્ટમનો સિયર ઝોન અરબ સાગર સુધી લંબાયેલો છે. આથી અરબ સાગરમાંથી પુરતો ભેજ મળવાના કારણે આ સિસ્ટમ વધારે મજબૂત બની શકે છે. આથી આગામી 3 દિવસ એટલે કે 7 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
ગુજરાતના ક્યા જિલ્લામાં કેટલો વરસાદ વરસી શકે છે?
2025માં ઉત્તર ગુજરાતમાં એકંદરે નબળો વરસાદ નોંધાયો છે. જો કે આગામી 2 દિવસ સુધી ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સાર્વત્રિક 5 થી 10 ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે. જે પૈકી કેટલાક વિસ્તારોમાં 10 ઈંચ કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. કચ્છ જિલ્લામાં પણ આ રાઉન્ડમાં સાર્વત્રિક 2 થી 5 ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે. જે પૈકી રાપર તાલુકામાં વરસાદની તીવ્રતા વધારે રહેશે.
મધ્ય ગુજરાતની વાત કરીએ તો, આગામી 3 દિવસ ગાંધીનગર જિલ્લામાં વરસાદની તીવ્રતા થોડી વધારે રહેશે. આ સિવાય અમદાવાદ, આણંદ, નડિયાદ અને વડોદરા જિલ્લામાં 2 થી 5 ઈંચ અને એકાદ સેન્ટરમાં 5 ઈંચ કરતાં વધુ વરસાદ વરસી શકે છે. જ્યારે મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર જેવા જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા ઘટશે. જો કે અહીં પણ 2 થી 4 ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ વરસશે.
જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ જેવા જિલ્લાઓમાં 1 થી 3 ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે. જ્યારે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ આ ચાર જિલ્લાઓમાં મધ્યમથી ભારે (3 થી 5 ઈંચ )અને એકાદ સેન્ટરમાં અતિભારે (10 ઈંચ સુધી) વરસાદની શક્યતા છે.
આ સિવાય દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા જિલ્લાઓમાં ત્રણ દિવસ મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ઉત્તર ગુજરાતની માફક પશ્ચિમ સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં પણ આગામી 3 દિવસ 10 થી 12 ઈંચ અને કેટલાક સેન્ટરમાં 12 ઈંચ કરતાં વધુ વરસાદ વરસી શકે છે.
જિલ્લા | કેટલા ઈંચ વરસાદ |
સાબરકાંઠા | 5 થી 10 ઈંચ |
બનાસકાંઠા | 5 થી 10 ઈંચ |
પાટણ | 5 થી 10 ઈંચ |
મહેસાણા | 5 થી 10 ઈંચ |
અરવલ્લી | 5 થી 10 ઈંચ |
કચ્છ | 2 થી 5 ઈંચ |
આણંદ | 2 થી 5 ઈંચ |
ખેડા | 2 થી 5 ઈંચ |
વડોદરા | 2 થી 5 ઈંચ |
અમદાવાદ | 2 થી 5 ઈંચ |
મહીસાગર | 2 થી 4 ઈંચ |
છોટા ઉદેપુર | 2 થી 4 ઈંચ |
દાહોદ | 2 થી 4 ઈંચ |
પંચમહાલ | 2 થી 4 ઈંચ |
રાજકોટ | 1 થી 3 ઈંચ |
ભાવનગર | 5 થી 10 ઈંચ |
ગીર સોમનાથ | 5 થી 10 ઈંચ |
અમરેલી | 5 થી 10 ઈંચ |
જૂનાગઢ | 5 થી 10 ઈંચ |
દ્વારકા | 10 થી 12 ઈંચ |
જામનગર | 10 થી 12 ઈંચ |
પોરબંદર | 10 થી 12 ઈંચ |