ગુજરાતની જેલ બની જ્ઞાનની પાઠશાળા, રાજ્યના 44 બંદીવાનો બોર્ડની પરીક્ષામાં થયા ઉતીર્ણ

જેલ પ્રશાસનની મહેનત અને માર્ગદર્શનથી બંદીવાનોના જીવનમાં આવ્યું પરિવર્તન.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 23 May 2026 11:52 AM (IST)Updated: Sat, 23 May 2026 11:52 AM (IST)
gujarat-prison-inmates-pass-board-exams-cooperation-of-prison-administration
HIGHLIGHTS
  • ગુજરાતની જેલો બની જ્ઞાનની પાઠશાળા
  • 44 બંદીવાનોએ બોર્ડની પરીક્ષા પાસ કરી

School in Gujarat prison: જેલના ઊંચા દરવાજા અને લોખંડના સળિયા પાછળ સામાન્ય રીતે અંધકાર, પસ્તાવો અને એકલતાની કલ્પના ઉભી થાય છે. પરંતુ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ગુજરાતની જેલોમાં શિક્ષણ દ્વારા કેદીઓના પુનઃવસનનું એક અદભૂત અને સફળ ચિત્ર સામે આવ્યું છે.

રાજ્યના 44 બંદીવાનો બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ

આ વર્ષે રાજ્યની વિવિધ જેલોમાં રહેલા કુલ 44 બંદીવાનોએ ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષામાં સફળતા મેળવી છે. જેમાં ધોરણ 10 માં 22 અને ધોરણ 12 માં 22 બંદીવાનો પાસ થયા છે. જેલ પ્રશાસનની મહેનત, માર્ગદર્શન અને માનવીય અભિગમના કારણે બંદીવાનોના અંધકારમય જીવનમાં માટે શિક્ષણથી જ્ઞાનનો પ્રકાશ ફેલાયો છે.

naidunia_image

જેલ પ્રશાસનનો સહયોગ અને શાનદાર પરિણામ

બંદીવાનોના અંધકારમય જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવા માટે જેલ વિભાગે પરીક્ષાના ફોર્મ ભરવાથી લઈને પુસ્તકો, અભ્યાસ સામગ્રી અને વિવિધ વિષયોના વર્ગો સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી. વિશેષ બાબત એ રહી કે જેલ પરિસરમાં જ બોર્ડ દ્વારા પરીક્ષા સેન્ટરની વ્યવસ્થા કરતા બંદીવાનોને પરીક્ષા માટે અનુકૂળ વાતાવરણ મળ્યું હતું.

naidunia_image

બંદીવાનોના આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારસરણીના વિકાસ માટે જેલ પ્રશાસન દ્વારા આધુનિક લાઇબ્રેરી ઉભી કરવામાં આવી છે, જેમાં ઓડિયો બુકની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, શાળા અને કોલેજના શિક્ષકો તેમજ વિષય નિષ્ણાતો જેલની અંદર આવીને નિયમિત લેક્ચર્સ આપી બંદીવાનોને માર્ગદર્શન આપે છે.

બંદીવાનોના જીવનમાં શિક્ષણથી આવેલું પરિવર્તન

બંદીવાનો માટે આ સફળતા માત્ર પરીક્ષાનું પરિણામ નથી, પરંતુ જીવનમાં પરિવર્તન લાવવાની શક્તિ ધરાવતા શિક્ષણનું જીવંત ઉદાહરણ છે. એક બંદીવાને પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, સજા મળ્યા બાદ તેમને લાગતું હતું કે જીવન સમાપ્ત થઈ ગયું છે. પરંતુ રેડિયો પ્રીઝન, વેલફેર ઓફિસ અને જેલ અધિકારીઓની પ્રેરણાથી ફરી અભ્યાસ તરફ વળ્યા અને સફળતા મળતા વર્ષો બાદ ફરી જીવતો હોવાનો અહેસાસ થયો છે.

naidunia_image

પરિવારની આર્થિક પરિસ્થિતિને કારણે ભણતર છોડવા મજબૂર બનેલા અને સજા બાદ ડિપ્રેશનમાં રહેલા અન્ય એક બંદીવાને પણ જેલ અધિકારીઓના કાઉન્સેલિંગ બાદ ફરી અભ્યાસ શરૂ કરી આ સફળતા પ્રાપ્ત કરી છે. ધોરણ 12 પાસ થયેલા એક બંદીવાને જણાવ્યું કે તે અઠવાડિયામાં બે દિવસ સંગીતના ક્લાસમાં ભાગ લે છે. જેલમાંથી બહાર જઈને ગાયક બનવાની ઇચ્છા ધરાવે છે.

જેલ વિભાગ કરશે સફળ બંદીવાનોનું સન્માન

ગુજરાત રાજ્યની વિવિધ જેલોમાં સજા કાપી રહેલા બંદીવાનોની નકારાત્મકતા અને ડિપ્રેશન દૂર કરવા માટે જેલ વિભાગ દ્વારા અનેક પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે. રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવે તમામ 44 સફળ બંદીવાનોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, બંદીવાનો ડિપ્રેશનમાંથી બહાર આવી મુખ્ય પ્રવાહમાં જોડાયા છે, અને આ સફળ બંદીવાનોનું જેલ વિભાગ દ્વારા પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવશે.