ગ્રીન ટેક્નોલોજીથી થશે ગુજરાતના માર્ગોની કાયાપલટ, રૂ. 1147 કરોડના ખર્ચે વિવિધ 20 રસ્તાનું કરાશે નિર્માણ

રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 20 માર્ગો પર કામગીરી શરૂ થવા જઈ રહી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 23 May 2026 11:18 AM (IST)Updated: Sat, 23 May 2026 12:49 PM (IST)
gujarat-green-technology-road-infrastructure-project-for-20-districts
HIGHLIGHTS
  • ગ્રીન ટેક્નોલોજીથી ગુજરાતના માર્ગોની કાયાપલટ
  • રૂપિયા 1147 કરોડના ખર્ચે 20 રસ્તાઓનું નિર્માણ

Gujarat Green Technology: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સ્પીડ અને સ્કેલ' ના વિઝન તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો બદલાવ આવી રહ્યો છે. રાજ્યના માર્ગોને આધુનિક બનાવીને પર્યાવરણને અનુકૂળ ટકાઉ વિકાસની દિશામાં આગળ વધવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે.

આ વર્ષના બજેટમાં રૂપિયા 1147 કરોડના ખર્ચે માર્ગોના નિર્માણ કાર્યમાં ક્લાઇમેટ રેઝીલીય્ન્ટ અને નવી ગ્રીન ટેકનોલોજીના ઉપયોગની જોગવાઈઓ કરવામાં આવી છે. આ અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 20 માર્ગો પર કામગીરી શરૂ થવા જઈ રહી છે.

કયા જિલ્લાના રસ્તાનો સમાવેશ?

આ પ્રોજેક્ટ હેઠળ પાટણ, ગીર સોમનાથ, મહીસાગર, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર, સુરત, વડોદરા, છોટા ઉદેપુર, આણંદ, મહેસાણા, કચ્છ, ભાવનગર, જામનગર અને નર્મદા એમ વિવિધ જિલ્લામાં કુલ 20 માર્ગો પર કામગીરી કરવામાં આવશે. આ માર્ગો પર જરૂરિયાત મુજબ રસ્તા પહોળા કરવા, RCC ગટરલાઈન, રિસરફેસિંગ, વ્હાઇટ ટોપિંગ, અને જિયોગ્રીડ સહિતની કામગીરી થશે.

naidunia_image

શું છે ગ્રીન ટેક્નોલોજી, કેવી રીતે કામ કરે છે?

ગ્રીન ટેકનોલોજીની પ્રક્રિયામાં હયાત રોડના જૂના મટીરીયલનો ફરી ઉપયોગ કરીને નવો રોડ બનાવવામાં આવે છે.

  • સૌપ્રથમ રોડને ઉખાડીને ત્યાં ચૂનો પાથરી, જૂની સામગ્રીને પલ્વરાઈઝ (ભૂકો) કરીને રોલિંગ કરવામાં આવે છે.
  • ત્યારબાદ સિમેન્ટ સ્પ્રેડર મશીનથી સિમેન્ટ પાથરીને કેમિકલ સાથે તેનું સ્ટેબિલાઇઝેશન કરાય છે અને વિવિધ રોલરથી લેવલિંગ થાય છે.
  • સાત દિવસ બાદ રોડ પર નોન વુવન મટીરીયલ-સ્ટ્રેસ એબ્ઝોર્બિંગ મેમ્બ્રેન (SAMI) પાથરીને ડામર લગાવાય છે.
  • આ હાઇટેક ફાઇબર સીટ તિરાડોને રોકે છે, વાહનોનું પ્રેશર શોષે છે અને રોડનું આયુષ્ય વધારે છે.

ગ્રીન ટેકનોલોજીના મુખ્ય ફાયદા

જૂના મટેરિયલના પુનઃઉપયોગથી રોડ બનાવવાનો ખર્ચ ઘટે છે, અને રસ્તાનો બેઝ વધુ મજબૂત બને છે. વારંવાર રીપેરીંગ કરવાની જરૂરિયાત ઘટતા રોડ લાંબા સમય સુધી ટકે છે. આ આધુનિક પ્રક્રિયાથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થાય છે અને કુદરતી સંસાધનોની બચત થાય છે.

ઔદ્યોગિક વિકાસને વેગ, ભરૂચને સીધો ફાયદો

ભરૂચમાં જંબુસર-ટંકાલી-દેવલા રોડ પર રૂપિયા 50 કરોડના ખર્ચે ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને રિકન્સ્ટ્રક્શનને મંજૂરી આપવામાં આવી છે. આ માર્ગ ફાર્માસ્યુટિકલ બલ્ક ડ્રગ પાર્ક અને ONGC પ્લાન્ટને જોડતો મુખ્ય માર્ગ છે. આ ઉપરાંત, મીઠાની ખેતી અને દરિયા કિનારા પાસે ઝીંગા ઉછેર ઉદ્યોગ માટે પણ તે મહત્વપૂર્ણ ધોરીમાર્ગ છે. આ માર્ગ તૈયાર થતાં વડોદરાથી રેલવે, એરપોર્ટ તેમજ એક્સપ્રેસ-વે દ્વારા સીધું જોડાણ મળશે.

રોડ નિર્માણની અન્ય ટેકનોલોજી-પદ્ધતિ

રોડ નિર્માણને વધુ મજબૂત બનાવવા માટે સરકાર અન્ય અનેક નવી પદ્ધતિ અપનાવી રહી છે:

  • વેસ્ટ પ્લાસ્ટિક રોડ: પ્લાસ્ટિકને ડામર સાથે મિક્સ કરવામાં આવે છે.
  • વ્હાઇટ ટોપિંગ: જૂના ડામર પર કોંક્રિટ પાથરવામાં આવે છે.
  • જિયોગ્રીડ-ગ્લાસ ગ્રીડ: પોલિમરની જાળી અને ફાઇબર ગ્લાસની ગ્રીડ પાથરીને મજબૂત રોડ બનાવવામાં આવે છે. 
    • જિયોગ્રીડ પોચી માટીમાં વધારે મદદરૂપ બને છે. રોડના વજનને વહેંચવામાં મદદરૂપ થાય છે.
    • ગ્લાસ ગ્રીડ ડામરની લેયર વચ્ચે પાથરવામાં આવે છે. તે રોડનું આયુષ્ય વધારે છે અને મજબૂતી આપે છે.
  • કોલ્ડ મિક્સ આસ્ફાલ્ટ: ગરમ કર્યા વગર ડામર મિક્સનો ઉપયોગ, ચોમાસાના સમયમાં પણ કામગીરીમાં ઉપયોગી બને છે.
  • સિમેન્ટ સ્ટેબિલાઇઝેશન: રોડના બેઝ અથવા માટીમાં સિમેન્ટ ભેળવીને મજબૂત લેયર બનાવવામાં આવે છે.
  • ફ્લાય એશ: થર્મલ પાવર પ્લાન્ટના કોલસાના પાવડરનો ઉપયોગ રોડ નિર્માણમાં કરવામાં આવે છે.
  • ઇન્ટરલોકિંગ પેવર્સ: નાના કોંક્રિટ બ્લોક્સને એકબીજા સાથે લોક કરીને પાથરવામાં આવે છે.
  • પેનલ્ડ કોંક્રિટ: એક સાથે રોડ બનાવવાના સ્થાને કોંક્રિટના અલગ અલગ સ્લેબ પાથરીને રોડનું નિર્માણ.
  • પર્પેચ્યુઅલ પેવમેન્ટ: ઘણી બધી લેયર સાથે મજબૂત રોડનું નિર્માણ. આ રોડના મેન્ટેનન્સનો ખર્ચો ઓછો રહે છે, અને લાંબા સમય સુધી રોડ કાર્યરત રહે છે.