Bakrid 2026: ગુજરાતમાં બકરી ઈદની જાહેર રજામાં ફેરફાર: રાજ્ય સરકારે નવી તારીખ જાહેર કરી, જાણો...

અગાઉ ગુજરાતમાં 27 મે, બુધવારના રોજ ઈદની જાહેર રજા હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 23 May 2026 09:18 AM (IST)Updated: Sat, 23 May 2026 09:18 AM (IST)
gujarat-bakrid-eid-ul-adha-2026-public-holiday-date-changed-to-may-28
HIGHLIGHTS
  • ગુજરાતમાં ઈદની જાહેર રજામાં ફેરફાર
  • 27 મેના બદલે 28 મેના રોજ જાહેર રજા

Gujarat Bakrid Holiday Date: ગુજરાત રાજ્યમાં બકરી ઈદ (ઈદ-ઉલ-અઝહા)ના તહેવાર નિમિત્તે અપાતી જાહેર રજાની તારીખમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ સરકાર દ્વારા 27 મે 2026 ના રોજ જાહેર રજાની ઘોષણા કરવામાં આવી હતી, પરંતુ હવે તેમાં સુધારો કરીને નવી તારીખ 28 મે જાહેરાત કરવામાં આવી છે.

બકરી ઈદની જાહેર રજા અને નવો પરિપત્ર

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, હવે ગુજરાતમાં બકરી ઈદ નિમિત્તે 28 મે, ગુરુવારના રોજ જાહેર રજા રહેશે. આ નિર્ણયના પગલે, અગાઉ જે દિવસે રજા હતી તે 27 મે બુધવાર, 2026 ના રોજ તમામ સરકારી કચેરીઓ અને બેંકોમાં કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે.

જાહેર રજામાં ફેરફાર કેમ કરવામાં આવ્યો?

આ ફેરફાર પાછળ ઇસ્લામિક પરંપરા અને ચંદ્ર દર્શન મુખ્ય કારણ છે. નોંધનીય છે કે, જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ તાજેતરમાં જ ગુજરાત સરકારને એક પત્ર લખીને 27 મેના બદલે 28 મે 2026 ના રોજ ઈદ-ઉલ-અઝહાની રજા જાહેર કરવાની માંગણી કરી હતી.

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પત્રમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ઈસ્લામિક પરંપરાઓ અને ધાર્મિક પ્રથાઓ અનુસાર, ઈદ-ઉલ-અઝહાનો તહેવાર ઇસ્લામિક કેલેન્ડરના ઝીલ-હજ્જ મહિનાના 10મા દિવસે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે.

આ તહેવારની તારીખ હંમેશા ચંદ્ર જોયા પછી જ નક્કી કરવામાં આવે છે. ગુજરાતમાં, 18 મે 2026 ની સાંજે ઝીલ-હજ મહિનાનો ચાંદ દેખાયો હોવાથી, ગણતરી મુજબ ઈદ-ઉલ-અઝહાનો તહેવાર ગુરુવાર, 28 મે 2026 ના રોજ આવે છે.

આ ગણતરી અને હકીકતોને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય દ્વારા કરાયેલી નમ્ર અને આગ્રહભરી વિનંતીને પગલે, રાજ્ય સરકારે જાહેર રજાના શિડ્યુલમાં આ સુધારો અમલમાં મૂક્યો છે. આથી, નાગરિકોએ નોંધ લેવી કે 27 તારીખે સરકારી અને બેંકિંગ કામગીરી રાબેતા મુજબ થઈ શકશે.