Surat News: સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાંથી 22 કેદીઓ ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે

બંદીવાનોના માધ્યમથી જ તેમને ભણાવવામાં આવે છે. જેલમાં રહેલા કેદીઓ જ અલગ અલગ વિષયો લઈને તેમને ભણાવે છે અને એમને મોટીવેટ કરે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 26 Feb 2025 02:58 PM (IST)Updated: Wed, 26 Feb 2025 02:58 PM (IST)
surat-news-22-lajpore-jail-prisoners-take-board-exams
HIGHLIGHTS
  • પરીક્ષાઓ સંદર્ભે સુરત શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું

Surat News: આગામી 27 ફેબ્રુઆરીથી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે સુરતમાં આવેલી લાજપોર જેલમાં રહેલા બંદીવાનો પણ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. જેલમાં ધો.10 માં 15 અને ધો.12 માં 7 બંદીવાનો પરિક્ષા આપશે.

લાજપોર સેન્ટ્રલ જેલ અધિક્ષક જે. એન. દેસાઈ એ જણાવ્યું હતું કે લાજપોર જેલ ખાતે આગામી ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. લાજપોર જેલમાં પણ બંદીવાનો શિક્ષણથી વંચિત ન રહે તે માટે ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષા માટેનું સેન્ટર બેરેકની અંદર જ રાખવામાં આવ્યું છે અને તેમની પરીક્ષા લેવામાં આવશે.

વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે ધો. 12માં 7 બંદીવાનો છે. ધો. 10 માં 15 જેટલા બંદીવાનો પરીક્ષા આપશે. અને આ બંદીવાનોને જેલમાં જ મોર્ડન ક્લાસ રૂમ બનાવવામાં આવ્યો છે તેમાં તેઓને શિક્ષિત કરવામાં આવે છે. બીજુ કે બંદીવાનોના માધ્યમથી જ તેમને ભણાવવામાં આવે છે. જેલમાં રહેલા કેદીઓ જ અલગ અલગ વિષયો લઈને તેમને ભણાવે છે અને એમને મોટીવેટ કરે છે.

શિક્ષણબોર્ડની S.S.C./ H.S.C. પરીક્ષાઓ સંદર્ભે સુરત શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.2૭/2/202૫ 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ 2025 સુધી ધો.10 S.S.C. અને ધો.12 H.S.C. (સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ)પરીક્ષા યોજાનાર છે. પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ શાંતિમય વાતાવરણ રહે અને પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોચે તે માટે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે એક જાહેરનામા દ્વારા જરૂરી પરીક્ષા કેન્દ્રો, સ્ટ્રોગ રૂમની 100 મીટરના વિસ્તારમાં જરૂરી પ્રતિબંધો ફરમાવ્યા છે.

જાહેરનામા અનુસાર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં ધો.12 સામાન્ય પ્રવાહના 116, વિજ્ઞાન પ્રવાહના ૫6 તથા ધો.10ના 218 મળી કુલ 390 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. જેથી પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રીજયાની અંદર ચાર કરતા વધુ વ્યકિતઓ એકત્ર થવા, સભા ભરવી કે બોલાવવી નહીં અથવા સરઘસ કાઢવું નહીં. તેમજ લાઉડ સ્પીકર વગાડવા નહી. ઉપરાંત પરીક્ષા કેન્દ્રોના 100 મીટર ત્રિજ્યા અંદર ઝેરોક્ષ સેન્ટર તથા વાહનો ઉભા રાખવા નહી.

પરીક્ષા બિલ્ડીંગમાં કોઈપણ પરીક્ષાર્થી તથા પરીક્ષા સાથે સંકળાયેલા કોઈ પણ કર્મચારીઓ(સરકારી પ્રતિનિધિ સિવાય) વિદ્યાર્થીઓએ મોબાઇલ કે કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ડિવાઈસ અથવા કોમ્યુનિકેશન ડિવાઈસ કે સિસ્ટમ રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અપવાદ તરીકે પરીક્ષા કાર્યમાં રોકાયેલા કે ફરજ પરના સરકારી વ્યકિતઓને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.