ગુજરાતમાં કેમિસ્ટોની હડતાળ, 20 મેના રોજ 35 હજારથી વધુ દવાની દુકાનો બંધ રહેશે; જાણો શું છે કારણ

ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગ્ગિસ્ટ્સ દ્વારા આ હડતાળ માટે આહવાન કર્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 08 May 2026 08:41 AM (IST)Updated: Fri, 08 May 2026 08:41 AM (IST)
gujarat-chemists-strike-on-20-may-over-illegal-e-pharmacy-predatory-pricing
HIGHLIGHTS
  • ગુજરાતભરમાં કેમિસ્ટો હડતાળ પર
  • 20 મેના રોજ દવાની દુકાનો બંધ રહેશે

Chemists strike in Gujarat: ગેરકાયદે ઈ-ફાર્મસી અને પ્રિડેટરી પ્રાઇસિંગ સામે હવે દેશભરના દવાના વેપારીઓએ બાંયો ચડાવી છે. ઓનલાઇન દવા વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટની નીતિઓના વિરોધમાં આગામી 20 મેના રોજ ગુજરાત સહિત દેશભરના કેમિસ્ટો હડતાળ પર ઉતરશે.

કોણે આપ્યું હડતાળનું આહવાન?

ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગ્ગિસ્ટ્સ દ્વારા આગામી 20 મે, બુધવારના રોજ દેશવ્યાપી દવાની દુકાનો બંધ રાખવાનું આહવાન કરવામાં આવ્યું છે. આ એલાનને 'ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગ્ગિસ્ટ્સ એસોસિએશન' દ્વારા સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે. આ સમર્થનને પગલે 20 મેના રોજ ગુજરાતમાં 35,000થી વધુ દવાની દુકાનો સજ્જડ બંધ રહેશે અને હડતાળમાં જોડાશે.

હડતાળ અને વિરોધનું કારણ શું?

એસોસિએશનના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર, દવાના વેપારીઓની વિવિધ માંગણીઓ લાંબા સમયથી પડતર છે. હાલમાં મોટી ઓનલાઇન ફાર્મસી કંપનીઓ, કોર્પોરેટ હોસ્પિટલો અને કેટલીક રિટેલ ચેઇન્સ દ્વારા નક્કી કરાયેલા માર્જિન કરતા ઘણું વધારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ 'પ્રીડેટરી પ્રાઇસિંગ' અને ગેરકાયદેસર ઈ-ફાર્મસીની નીતિને કારણે નાના કેમિસ્ટો તેમજ પરંપરાગત દવા વેપારીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ ગયું છે.

મુખ્ય રજૂઆતો અને માંગણી 

આ ઉપરાંત, કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાકાળ દરમિયાન બહાર પાડવામાં આવેલા બે મહત્વના નોટિફિકેશન તાત્કાલિક પાછા ખેંચવાની પણ ઉગ્ર માંગ કરવામાં આવી છે. વેપારીઓનું માનવું છે કે આ નોટિફિકેશનના કારણે જ ઓનલાઈન દવાના વેચાણને વધુ પ્રોત્સાહન મળ્યું છે, જેની ગંભીર અસર પરંપરાગત સપ્લાય ચેઇન પર પડી રહી છે. કેમિસ્ટ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે:

  • ગેરકાયદેસર ઈ-ફાર્મસી પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મૂકવામાં આવે.
  • પ્રીડેટરી પ્રાઇસિંગ (માર્જિન કરતા વધુ ડિસ્કાઉન્ટ) સામે કડક નીતિ ઘડવામાં આવે.
  • નાના કેમિસ્ટોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.
  • નકલી દવા બનાવનાર અને તેનું વેચાણ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.