Vadodara: નશાનો વેપલો કરતી 'શિવાની મેડિસિન' પર FDCA ની તવાઈ, મેડિકલ એજન્સીનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરાયું

વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં દવાના ઓઠા હેઠળ નશાનો વેપાર કરતી એજન્સી પર ખોરાક અને ઔષધ નિયામક તંત્ર (FDCA) એ કડક કાર્યવાહી કરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 07 May 2026 12:36 PM (IST)Updated: Thu, 07 May 2026 12:36 PM (IST)
vadodara-shivani-medicine-license-cancelled-fdca-illegal-drug-sales

Vadodara News: વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં દવાના ઓઠા હેઠળ નશાનો વેપાર કરતી એજન્સી પર ખોરાક અને ઔષધ નિયામક તંત્ર (FDCA) એ કડક કાર્યવાહી કરી છે. લોકોના સ્વાસ્થ્યના ભોગે નફો રળી આપનાર તત્વો સામે આકરા પ્રહાર કરતા તંત્રએ મેસર્સ શિવાની મેડિસિનનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરી નાખ્યું છે.

તપાસમાં ચોંકાવનારા ખુલાસા

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જ્યારે આ સ્ટોર પર દરોડો પાડવામાં આવ્યો, ત્યારે પરિસ્થિતિ અત્યંત ગંભીર જણાઈ હતી. તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે, જે દવાઓ માત્ર મનોચિકિત્સકની કડક સલાહ અને પ્રિસ્ક્રિપ્શનથી જ મળવી જોઈએ, તે અહીં કોઈ પણ કાગળિયા વગર મીઠાઈની જેમ વેચાઈ રહી હતી. ખાસ કરીને નશાખોરોમાં પ્રિય એવી Nitrazepam અને Alprazolam જેવી સાઈકોટ્રોપિક દવાઓનો બેરોકટોક વેપાર થતો હતો. આ ઉપરાંત, ખાંસી માટે વપરાતી પરંતુ નશા માટે બદનામ એવી PB-REX અને BESCODEX જેવી 5 પ્રકારની સિરપનો મોટો જથ્થો હિસાબ વગર ગાયબ હતો.

ગુનાહિત ઇતિહાસ અને તંત્રની કાર્યવાહી

શિવાની મેડિસિનનો ગુનાહિત રેકોર્ડ વર્ષો જૂનો છે:

  • 2019: પ્રથમવાર ગંભીર ગેરરીતિ પકડાતા 30 દિવસ માટે લાયસન્સ સસ્પેન્ડ કરાયું હતું.
  • 2021: ફરી તપાસમાં નશાકારક સિરપનું ગેરકાયદે વેચાણ પકડાયું હતું.
  • તાજેતરમાં: વારંવારની નોટિસો છતાં સંતોષકારક જવાબ ન આપતા અને ગેરકાયદે વેપાર ચાલુ રાખતા આખરે લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું છે.

યુવાધનના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરનાર કોઈપણ વેપારીને છોડવામાં આવશે નહીં. આ કાર્યવાહી અન્ય મેડિકલ સ્ટોર્સ માટે એક ચેતવણી સમાન છે." - ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, વડોદરા

શહેરમાં સઘન તપાસના આદેશ

આ કિસ્સા બાદ વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ સઘન તપાસ કરવામાં આવશે. પ્રિસ્ક્રિપ્શન વગર શેડ્યૂલ-એચ ડ્રગ્સ વેચતા કે નશાકારક દવાઓનો સંગ્રહ કરતા એકમો સામે કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવશે. તંત્રની આ કામગીરીથી નશાના કાળા કારોબારમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.