માથે છત ન રહી, છતાં હિંમત ન હારી; તંબુ રહીને કર્યો અભ્યાસ, અમદાવાદની શ્વેતાએ ધોરણ 10માં મેળવ્યા 94 ટકા

શ્વેતા યાદવે ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડ સાથે 94 ટકા મેળવ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 07 May 2026 04:58 PM (IST)Updated: Thu, 07 May 2026 04:58 PM (IST)
ahmedabad-amraiwadi-shweta-yadav-scored-94-percent-in-ssc-success-story

GSEB SSC Result 2026: વિપરીત સંજોગોમાં પણ જો મક્કમ મનોબળ હોય તો સફળતા જરૂર મળે છે, તે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી શ્વેતા યાદવે સાબિત કરી બતાવ્યું છે. વર્ષ 2025 માં બનેલી એક ઘટના બાદ શ્વેતાના પરિવારના માથેથી છત છીનવાઈ ગઈ હતી, છતાં ધોરણ 10 માં અભ્યાસ કરતી શ્વેતાએ હાર માની નહીં. તેણે તંબુમાં રહીને ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડ સાથે 94 ટકા મેળવ્યા છે.

કેવી રીતે છીનવાઈ ગઈ માથા પરની છત?

માર્ચ 2025 માં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં બે ગેંગ વચ્ચે મારામારી અને તોડફોડનો બનાવ બન્યો હતો. આ બનાવમાં શ્વેતાના ભાઈ અલ્કેશ યાદવનું નામ સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. વધુમાં, તેઓ અમરાઈવાડીમાં જે ઘરમાં રહેતા હતા તેનું ડિમોલિશન કરી નાખ્યું હતું. પરિવારના માથેથી છત જતી રહી, જેના કારણે શ્વેતા અને TAT ની તૈયારી કરતી તેની મોટી બહેન એકતાના અભ્યાસ પર મોટી આફત આવી ગઈ હતી.

naidunia_image

તંબુમાં અને સ્ટ્રીટ લાઈટ નીચે કર્યો અભ્યાસ

ઘર તૂટ્યા બાદ એક સામાજિક કાર્યકરે પરિવારને રહેવા માટે પોર્ટેબલ ટેન્ટ આપ્યો હતો. એપ્રિલ 2025 થી પોતાના તૂટેલા ઘરની બહાર જ પરિવારે આ ટેન્ટ બાંધીને આશ્રય લીધો હતો. ધોરણ 10 માં ભણતી શ્વેતા દિવસે તડકો હોય ત્યારે ટેન્ટની અંદર બેસીને અને રાત્રે ઘરની બહાર સ્ટ્રીટલાઇટના અજવાળે અભ્યાસ કરતી હતી.

આર્થિક સ્થિતિ ખરાબ થતાં શ્વેતાએ ભણતરની સાથે પૂજાપાની દુકાનમાં નોકરી પણ શરૂ કરી હતી, જ્યારે તેની બહેને પણ છૂટક કામ કરવાનું શરૂ કર્યું હતું. ગરમી, ઠંડી અને વરસાદમાં સતત એક વર્ષ સુધી આ પરિવારે ટેન્ટમાં વિતાવ્યું અને શ્વેતાએ આ પરિસ્થિતિમાં ભણીને 94 ટકા મેળવ્યા.

naidunia_image

કોર્ટમાં કેસ લડ્યા, ઘર મળ્યું પણ વીજળી નહીં

શ્વેતા યાદવે જણાવ્યું કે તે અભ્યાસની સાથે પોતાના ઘર માટે હાઈકોર્ટમાં લડત પણ લડતી હતી. મોટી બહેન સાથે મળીને તેણે AMC ઓફિસના અનેક ધક્કા ખાધા હતા. હાઈકોર્ટના આદેશ બાદ AMC એ નવું ઘર તો બનાવી આપ્યું છે, પરંતુ હજુ સુધી તેમાં વીજળીની સુવિધા મળી નથી.

હવે UPSC પાસ કરવાનું છે શ્વેતાનું સપનું

શ્વેતાની મોટી બહેન એકતાએ જણાવ્યું કે, જો ઘર તૂટવાની તકલીફ ન પડી હોત તો તે TAT ની પરીક્ષા પાસ કરીને શિક્ષક બની ગઈ હોત. કારણ કે તેને 80 માર્ક આવ્યા હતા અને મેરીટ 90 માર્કે અટક્યું હતું. અત્યારે અદભુત પરિણામ મેળવ્યા બાદ હવે શ્વેતાનું લક્ષ્ય UPSC પાસ કરવાનું છે, અને મોટી બહેન તથા પરિવાર તેનું આ સપનું પૂરું કરાવવા મહેનત કરી રહ્યા છે.