અમદાવાદમાં દિલજીત દોસાંજની કોન્સર્ટ ટાણે વિવાદ, મોદી સ્ટેડિયમમાં દારુ, ડ્રગ્સ અને ગન કલ્ચરને પ્રોત્સાહન આપતા ગીતો ના ગાવા ચેતવણી

અમદાવાદમાં દિલજીત દોસાંજની કોન્સર્ટ પહેલા તેના ગીતોને લઈને વિવાદ ઉભો થયો છે. એક પ્રોફેસરે દારૂ, ડ્રગ્સ અને ગન કલ્ચરને પ્રોત્સાહન આપતા ગીતો ન ગાવા ચેતવણી આપી છે અને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવાની ધમકી આપી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 21 Nov 2026 06:06 PM (IST)Updated: Sat, 21 Nov 2026 06:06 PM (IST)
diljit-dosanjh-ahmedabad-show-row-singer-warned-not-to-perform-songs-glorifying-alcohol-and-gun-culture-at-narendra-modi-stadium

Ahmedabad Diljit Dosanjh Concert: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબી ગાયક દિલજીત દોસાંજની કોન્સર્ટ શરૂ થયા પહેલા જ તેના ગીતોને લઈને વિરોધના સુર ઉઠ્યા છે. જેમાં એક પ્રોફેસરે દિલજીત દોસાંજ દ્વારા ગવાયેલા ચાર ગીતો પર મોદી સ્ટેડિયમમાં પરફોર્મ કરશે, તો પોતે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરશે તેવી ચેતવણી ઉચ્ચારી છે.

હકીકતમાં ચંદીગઢની કૉલેજના પ્રોફેસર ડો. પંડિત રાવ ધારેન્નાવરે દિલજીત દોસાંજને તેના પટિયાલા પેગ, પંજ તારા, જે બિચ્છો ફીમ લબ્બિયા અને જટ ઉત્થે ફાયર કરદા જેવા 4 ગીતો ના ગાવા જણાવાયું છે. પ્રોફેસરે આરોપ લગાવતા જણાવ્યું કે, દિલજીતના આવા ગીતો દારૂ, ડ્રગ્સ અને ગન કલ્ચરને પ્રોત્સાહિત કરે છે. આ ગીતો બાળકો પર નકારાત્મક અસર કરે છે, આથી આવા ગીતો પર દિલજીતે પરફોર્મ ના કરવું જોઈએ.

હરિયાણા હાઈકોર્ટમાં આદેશ છતાં ઈન્દોર અને દિલ્હીમાં આવા ગીતો પર પરફોર્મ કર્યું

વધુમાં પ્રોફેસરે જણાવ્યું કે, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે મારા 2019ના એક કેસના સંદર્ભમાં સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે, દારૂ, ડ્રગ્સ અને નશીલા માદક પદાર્થોના સેવનને પ્રોત્સાહિત કરે તેવા ગીતોને સ્ટેજ પરથી રજૂ ના કરવા દેવા જોઈએ. આમ છતાં દિલજીત દોસાંજે ઈન્દોર અને દિલ્હીમાં પોતાની કોન્સર્ટમાં આ ગીતો પર પરફોર્મ કર્યું હતુ.

સરકારના નશા મુક્તિ અભિયાનનો ઉલ્લેખ કરતાં પ્રોફેસરે ઉમેર્યું કે, એક તરફ દેશમાં નશા મુક્ત ભારત અભિયાન ચલાવાઈ રહ્યું છે. જેમાં નશા વિરુદ્ધ લોકોને જાગૃત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. એવામાં બાળકો વચ્ચે આવા ગીતોનો પ્રચાર કરવો અયોગ્ય છે. આમ છતાં જો દિલજીત દોસાંજ આ ગીતો પર પરફોર્મ કરશે, તો હું ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવીશ અને કોર્ટની અવમાનના કેસ દાખલ કરીશ.