Ahmedabad: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી ટાણે જ ધંધુકામાં ધર્મેશ ગમારા નામના ભરવાડ યુવકની વિધર્મીઓ દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી હતી. એવામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મુદ્દે પ્રથમવાર પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે બુલડોઝર કાર્યવાહીનો ઉલ્લેખ કરીને વિપક્ષને આડેહાથ લીધા છે.
બુલડોઝરની કાર્યવાહીથી કંઈ પાર્ટીના પેટમાં દુઃખે છે તેની તમને ખબર જ છે
હર્ષ સંઘવીએ ચૂંટણી જનસભાને સંબોધન કરતાં ધર્મેશ ગમારાની હત્યાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, આજે બુલડોઝર ધંધુકા પહોંચ્યું છે. હવે ધીમે-ધીમે જ્યાં જરૂર પડશે, ત્યાં બુલડોઝર ફરી વળશે અને એકપણ ખુણો છોડવામાં નહીં આવે.
આવા ગુંડાઓ, ટપોરીઓ અને લુખ્ખાઓ તમારા હક્ક માટે સુરક્ષિત રાખેલી જગ્યાઓ પર ગેરકાયદેર બાંધકામ કરીને બેનંબરના ધંધા કરે છે. જ્યારે તેમના મકાનો પર બુલડોઝર ફેરવીએ, ત્યારે કંઈ પાર્ટીના પેટમાં દુઃખે છે તેનો તમને સૌને અંદાજો છે.
ધર્મેશ ગમારાની હત્યા બાદ પોલીસનું ઑપરેશન બુલડોઝર
ધંધુકામાં ધર્મેશ ગમારા નામના ભરવાડ યુવકની હત્યા બાદ શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ નાથવા માટે પોલીસ તંત્ર દ્વારા ઑપરેશન બુલડોઝર શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ધંધુકાથી રાણપુર ચાર રસ્તા સુધીના આશરે 15થી વધુ ગેરકાયદેસર શેડ્સ દૂર કરવામાં આવ્યા હતા. આ સાથે જ ખાટકીવાડમાં પાંચ ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતુ.
આ ઉપરાંત ફેદરા-ધંધુકા હાઈવે પરના 12 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે.
પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવેલ ડિમોલિશન ડ્રાઈવમાં ગૌવંશના આરોપી મુન્નો મસ્તાનનું ઘર તોડી પાડવામાં આવ્યું હતું. અગાઉ તેના ઘર પાસેથી 20 ગાયો પોલીસે મુક્ત કરાવી હતી, ત્યારે હવે મકાન પર ગેરકાયદે કબજો હોવાથી તોડી પાડવામાં આવ્યું હતું.
આ સાથે ધર્મેશ ગમારાની હત્યાના આરોપી રિઝવાન અને સમીરના મકાનોના દસ્તાવેજી પુરાવા તપાસીને કાર્યવાહી કરાશે. આ સિવાય હવે વધુ ગેરકાયદે દબાણોની યાદી તૈયાર કરી આવનાર દિવસોમાં પણ આ ઓપરેશન ચાલુ રહેશે તેમ ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે.
