Kashmir news: પહેલગામમાં અમદાવાદના પ્રવાસીઓ સાથે ગંભીર અકસ્માત, કાર 15 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા બેના મોત

આ બનાવમાં મૃતક પતિ-પત્ની ઘાટલોડિયા વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 18 May 2026 09:04 AM (IST)Updated: Mon, 18 May 2026 09:04 AM (IST)
ahmedabad-tourist-tavera-car-accident-in-kashmir-pahalgam-two-dead
HIGHLIGHTS
  • કાશ્મીરમાં અમદાવાદીઓને નડ્યો અકસ્માત
  • 15 ફૂટ ઊંડી ખીણમાં કાર ખાબકતા બેના મોત

Ahmedabad tourists accident in Pahalgam: અમદાવાદથી કાશ્મીરની સુંદરતા માણવા ગયેલા પરિવારો સાથે એક અત્યંત ગોઝારી અને કરુણ ઘટના બની છે. કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલા પહેલગામ નજીક સાઈટસીન માટે જતા પ્રવાસીઓની કાર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ બનાવમાં બે લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ચાર ટવેરા કારમાં સાઈટસીન માટે નીકળ્યા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના નવા વાડજ, ઘાટલોડિયા અને તેની આસપાસના વિસ્તારમાં રહેતા પરિવારોની એક ટીમ કાશ્મીરના પ્રવાસે ગઈ હતી. આગામી 20 તારીખે તેમનો આ પ્રવાસ પૂર્ણ થવાનો હતો. શનિવારે સાંજના સમયે તેઓ ચાર અલગ-અલગ ટવેરા કારમાં બેસીને પહેલગામથી અરૂ રૂટ પર સાઈટસીન માટે નીકળ્યા હતા.

15 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી કાર, બે લોકોના મોત

આ દરમિયાન માર્ગમાં ચાર પૈકીની એક કાર અચાનક રોડ પરથી સરકી ગઈ હતી, અને જોતજોતામાં અંદાજે 15 ફૂટ ઊંડી ખાઈમાં જઈને ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અન્ય ગંભીર રીતે ઘાયલ થયેલા ચાર જેટલા લોકોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી અન્ય એકનું હોસ્પિટલમાં મોત થયું હતું.

દંપતીનું મોત, 12 વર્ષના બાળકનો ચમત્કારીક બચાવ

આ ગમખ્વાર અકસ્માતમાં એક દંપતીનું મોત થયું છે. કાશ્મીર મીડિયાના અહેવાલ અનુસાર, આ દુર્ઘટનામાં ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા ભાવિનભાઈ ભાવસાર અને તેમના પત્ની અવનીબહેનનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. સદનસીબે આ અકસ્માતમાં કારમાં સવાર એક 12 વર્ષના બાળકનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો છે, અને તેને કોઈ સામાન્ય ઈજા પણ પહોંચી નથી.

ઈજાગ્રસ્તો શ્રીનગરની હોસ્પિટલમાં દાખલ કરાયા

નયનાબહેનના પતિ અશોકભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને શ્રીનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું સ્વજનોએ જણાવ્યું છે. આ ઉપરાંત, કારમાં સવાર અન્ય મહિલા અને ટવેરા કારના ચાલકને પણ ઈજા પહોંચી છે, જેમને શ્રીનગરમાં સારવાર આપવામાં આવી રહી છે

મૃતદેહોને અમદાવાદ લાવવાની તજવીજ શરૂ

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલમાં, સ્થાનિક તંત્રની મદદથી મૃતકોના દેહ અને ઈજાગ્રસ્તોને પરત અમદાવાદ લાવવા માટેની જરૂરી કાનૂની અને મેડિકલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રજાઓની મજા માણવા ગયેલા પરિવારોમાં આ દુર્ઘટનાને પગલે ભારે શોક અને આક્રંદનો માહોલ છવાઈ ગયો છે.