અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગનો સપાટોઃ વિદેશથી સિગારેટ અને ગાંજાનો જથ્થો લઈને આવેલા 3 મુસાફરો ઝડપાયા

છત્તીસગઢનો યુવક પોતાની પ્રથમ વિદેશ યાત્રામાં બેંગકોકથી પોતાની ટ્રોલી બેગમાં છૂપાવીને 6 કિગ્રાથી વધુ ગાંજો લઈને થાઈ એરવેઝની ફ્લાઈટમાં અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાં કસ્ટમે દબોચ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 17 May 2026 05:28 PM (IST)Updated: Sun, 17 May 2026 05:28 PM (IST)
ahmedabad-news-3-passengers-caught-carrying-cigarettes-and-marijuana-from-abroad-at-airport
HIGHLIGHTS
  • અબુધાબીથી આવેલા કેરળના 2 મુસાફરો પાસેથી 16600 સ્ટીક્સ વિદેશી સિગારેટ મળી

Ahmedabad: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ બજાવતી કસ્ટમ વિભાગની ટીમે આજે બે અલગ-અલગ ફ્લાઈટમાં વિદેશથી આવેલા મુસાફરો પાસેથી ગાંજો અને સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે.

છત્તીસગઢનો મુસાફર બેંગકોકથી ગાંજો લઈને આવ્યો

એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આજે વહેલી પરોઢે થાઈ એરવેઝની ફ્લાઈટમાં બેંગકોકથી આવેલ ભારતીય નાગરિકને અટકાવીને તેના લગેજની તલાસી લેવામાં આવી હતી.

મુસાફરની ટ્રોલી બેગમાં 6 સીલબંધ પેકેટમાં સંતાડેલો 6.540 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જે બાદ મુસાફર વિરુદ્ધ NDPS એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં મુસાફર છત્તીસગઢના રાયપુરનો વતની હોવાનું અને આ તેની પહેલી વિદેશ યાત્રા હોવાનું માલૂમ પડ્યું છે. હાલ તો તે ગાંજો ક્યાંથી અને કોના માટે લાવ્યો, તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

અબુ ધાબીથી આવેલા કેરળના બે મુસાફરો પાસેથી વિદેશી સિગારેટનો જથ્થો મળ્યો

આજ રોજ કસ્ટમના અધિકારીઓએ મળેલી ચોક્કસ બાતમીના આધારે શંકાસ્પદ મુસાફરો પર વૉચ રાખી હતી. આ દરમિયાન અબુ ધાબીથી એતિહાદ એરવેઝની ફ્લાઈટમાં આવેલા બે મુસાફરોની હીલચાલ શંકાસ્પદ જણાતા તેમને અટકાવીને સામાનની તલાસી લેવામાં આવી હતી.

આ બે મુસાફરોના લગેજમાંથી માન્ચેસ્ટર અને ડનહિલ બ્રાન્ડની વિદેશી મૂળની 16,600 સિગારેટની સ્ટીક્સ મળી આવી હતી. આથી પોલીસે સિગારેટનો જથ્થો જપ્ત કરવા સાથે બન્ને મુસાફરો સામે કસ્ટમ એક્ટ સહિતની અલગ-અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેમની અટકાયત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં મુસાફરો પૈકી એક કેરળના મલ્લપુરમનો જ્યારે બીજો મુસાફર કોઝિકોડનો વતની હોવાનું માલૂમ પડ્યું છે.

દુબઈથી આવેલા 3 મુસાફરો પાસેથી વિદેશી સિગારેટના 566 બોક્સ મળ્યા હતા

અગાઉ ગત બુધવારના રોજ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના અધિકારીઓ રૂટિન ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન દુબઈથી અમીરાત એરલાઈન્સની ફ્લાઈટમાં અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા 3 મુસાફરોના લગેજની શંકાના આધારે તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણીતી વિદેશી સિગારેટ બ્રાન્ડ મોન્ડ (Mond)ના 280 બોક્સ અને ગુડાંગ ગરમ (Gudang Garam) ના 286 બોક્સ મળી આવ્યા હતા.