Banaskantha: બનાસકાંઠા જિલ્લાના થાવર ગામના શ્રદ્ધાળુઓને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો છે. જેમાં ભારત માલા હાઈવે પર કાર પલટી ખાઈ જતાં તેમાં સવાર ચૌધરી પરિવારના 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
રણુંજા દર્શન કરીને પરત ફરતી વખતે કાળનો ભેટો થયો
આ પણ વાંચો
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામના શ્રદ્ધાળુઓ રાજસ્થાન સ્થિત રણુંજા દર્શન કરવા ગયા હતા. જ્યાંથી દર્શન કર્યા બાદ શ્રદ્ધાળુઓ સ્કોર્પિયો કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા.
તેમની કાર ભારતમાલા હાઈવે પરના આસોતરા નજીકથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન અચાનક કારની સામે નીલ ગાય આવી ચડતાં કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી બેકાબુ બનેલી કાર પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે કારમાં સવાર મુસાફરોની મરણચીસોથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો.
આ અકસ્માતના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. બીજી તરફ ઘટનાની જાણ થતાં હાઈવે ઓથોરિટી અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રેસ્ક્યુ હાથ ધર્યું હતુ. જેમાં કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ અજમલ ચૌધરી (35), હિતેશ ચૌધરી (32) અને યોગેશ ચૌધરી (18) તરીકે થઈ છે. જ્યારે અશોક ચૌધરી (26), કમલેશ ચૌધરી (30) અને આયુષ ચૌધરી (8)ને નજીકની નાહટા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ હાલત ગંભીર જાણાતા જોધપુર રિફર કરવામાં આવ્યા છે. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
