Ambalal Patel, Gujarat Weather Forecast:ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. ગુજરાતમાં વિદાય વેળા ઉનાળાનો આકરો મિજાજ જોવા મળતો હોય, તેમ છેલ્લા કેટલાક દિવસથી મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેતા લોકો કાળઝાળ ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે.
એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાહત આપતી આગાહી કરી છે. જેમાં આગામી દિવસોમાં આકરી ગરમીમાંથી રાહત તેમજ પ્રી-મોન્સૂન એક્ટિવિટીના સંકેત આપ્યા છે.
પ્રી-મોન્સૂન એક્ટિવિટીનું જોર વધતાં ગરમીમાં રાહત મળશે
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, હજુ પણ બે દિવસ સુધી આકરી ગરમીનો જોર યથાવત જોવા મળશે. જે બાદ ધીમે-ધીમે મહત્તમ તાપમાન ઘટતા 19 મે બાદ ગરમીમાં રાહત મળશે. આગામી 21 થી 23 મે દરમિયાન ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે. જેના પરિણામે મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
આ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચી જશે, જ્યારે દરિયા કાંઠાના વિસ્તારોમાં મહત્તમ પારો 32 થી 35 ડિગ્રીની વચ્ચે રહી શકે છે. ગરમી ઘટતા પ્રી-મોન્સૂન એક્ટિવિટીનું જોર વધવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે.
26 મેની આસપાસ દેશમાં ચોમાસું દસ્તક દેશે
ચોમાસા અંગે હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આગામી દિવસોમાં બંગાળનો ઉપસાગર અને અરબ સાગર સક્રિય થશે. જો પરિસ્થિતિ સાનુકુળ રહેશે, તો આગામી 26 મેની આસપાસ દેશમાં ચોમાસું દસ્તક દઈ શકે છે. જો દરિયામાં પવન બદલાય તો ગુજરાતમાં 8મી જૂન બાદ મોન્સૂન એક્ટિવિટી વેગ પકડી શકે છે.
આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ જોઈએ તો, આગામી જૂન મહિનામાં વરસાદના બે રાઉન્ડ રહી શકે છે. જેમાં 8 થી 15 અને 23 થી 28 જૂન દરમિયાન ગુજરાતના ઘણાં ભાગોમાં સારો વરસાદ વરસી શકે છે. જો કે જુલાઈ મહિનામાં થોડા દિવસ માટે મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ શકે છે, પરંતુ 20 જુલાઈની આસપાસ વરસાદની ગતિ વેગ પકડશે. ઓગસ્ટ મહિનામાં પણ ગુજરાતમાં સારો એવો વરસાદ વરસશે. આ સિવાય ગુજરાતમાં પાછોતરો વરસાદ ઓક્ટોબર સુધી પડવાની શક્યતા છે.
43.2 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું
વીતેલા 24 કલાકમાં રાજ્યના મોટા ભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. જે પૈકી 43.2 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર સ્ટેટનું સૌથી હોટેસ્ટ સિટી બન્યું છે. આ સિવાય અમદાવાદમાં 42, વડોદરામાં 41, ગાંધીનગરમાં 41.5, રાજકોટમાં 42.7 અને સુરતમાં મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી નોંધાયું છે.
